મુકેશ ખન્નાના અવસાનની ઉડી અફવા, અભિનેતાએ જીવિત હોવાનો ખુલાસો કર્યો

(જી.એન.એસ)મુંબઈ,મહાભારતમાં ભીષ્મ પિતામહની ભૂમિકા ભજવનારા અને ‘શક્તિમાન’ થી પ્રખ્યાત અભિનેતા મુકેશ ખન્નાના ચાહકો ત્યારે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે આજે તેમને સોશિયલ મીડિયા પર અચાનક મુકેશ ખન્નાના અવસાનના સમાચાર મળવા લાગ્યા. જો કે, આ સમાચાર માત્ર એક અફવા હતી. કેટલાક લોકોએ તેમના અવસાનની પોસ્ટ્‌સને સો.મીડિયા પર શેર કરવાનું શરૂ કર્યું, પરંતુ મુકેશે પોતે જીવિત હોવાનો ખુલાસો કરતા કહ્યું “એકદમ સ્વસ્થ છું”.મુકેશ ખન્નાએ કહ્યું, તે સ્વસ્થ છે અને તે નથી જાણતા કે કોણે અને શા માટે આ અફવાઓ ઉડાવી. મુકેશ ખન્નાએ કહ્યું, “ભાઈ, હું એકદમ સ્વસ્થ છું એમ કહેવા હું તમારી સામે આવ્યો છું. મને આ અફવાનું ખંડન કરવાનું કહેવામાં આવ્યું છે અને હું આ અફવાનું ખંડન કરું છું. આ સાથે, જેમણે આવા સમાચારો ફેલાવ્યા છે તેમની નિંદા કરું છું. સો.મીડિયાની આ સમસ્યા છે.”મુકેશે વધુમાં કહ્યું, “હું એકદમ સ્વસ્થ છું અને જ્યારે તમારી પ્રાર્થના મારી સાથે હોય ત્યારે મારું શું ખોટું થઈ શકે. મારી ચિંતા કરવા બદલ આભાર. મને ઘણા લોકોના ફોન આવી રહ્યા છે. આપ સૌનો આભાર.”તાજેતરમાં જ મધર્સ ડે નિમિત્તે મુકેશ ખન્નાએ એક મોટી પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું, બાળકો આજે તેમની માતાને શુભેચ્છા પાઠવી રહ્યા છે અને તેમને ભેટો આપી રહ્યા છે, તે જોઈને આનંદ થયો, પરંતુ આ બધું વિદેશી સંસ્કૃતિનું છે જેની અહીં નકલ કરવામાં આવી રહી છે. આ પછી મુકેશે કહ્યું, આપણે એક જ દિવસે શા માટે માતાને ખાસ અનુભૂતિ કરાવીએ છીએ અથવા માતાને કેમ એક જ દિવસ સમર્પિત કરવામાં આવે છે. દરરોજ માતાને યાદ કરી ઉજવણી કરવી જોઈએ. મુકેશે આ પોસ્ટ સાથે તેની માતાનો ફોટો પણ શેર કર્યો છે.