મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ અકોલામાં એફઆઈઆર

(જી.એન.એસ)મુંબઇ,પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપને પગલે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ અકોલા ખાતે એફઆઇઆર નોંધવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
વિદર્ભના અકોલા ખાતે ૨૮ પોલીસ કર્મચારી સહિત ૩૩ જણ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી. અકોલાના સિટી કોતવાલી પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું, પુરાવાનો નાશ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ) ૧૯૮૯ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.એફઆઇઆરમાં ડીસીપી પરાગ મણેરે, સંજય શિંદે અને સુનીલ ભારદ્વાજ, એસીપી વિજય પુલકર અને ડી.બી. કાંબળે, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર દિલીપ સૂર્યવંશી, ફોરેન્સિક સાયન્સ લેબના આસિસ્ટન્ટ કેમિકલ એનલાઇઝર અને ભૂતપૂર્વ લૉ ઓફિસરનાં પણ નામ છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.કોતવાલી પોલીસ સ્ટેશનમાં ઝીરો એફઆઇઆર (ગુનો તે વિસ્તારમાં અથવા કોઇ અન્ય વિસ્તારમાં બન્યો હોય તેમ છતાં કોઇ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવાની પ્રક્રિયા) દાખલ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે થાણે શહેર પોલીસમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.પરમબીર સિંહ જ્યારે થાણેના પોલીસ કમિશનર હતા ત્યારે પરમબીર અને અન્યો સામે ભ્રષ્ટાચારના શ્રેણીબદ્ધ આરોપ પોલીસ ઇન્સ્પેક્ટર ભીમરાવ ઘાડગેએ પોતાની ફરિયાદમાં કર્યા છે. ભીમરાવ ઘાડગે ૨૦૧૫-૨૦૧૮ દરમિયાન થાણે પોલીસ કમિશનરેટમાં કાર્યરત હતો. ઘાડગેએ આરોપ કર્યો હતો કે તેના કાર્યકાળ દરમિયાન સિંહ અને તેમની હેઠળના અનેક અધિકારીઓએ ભ્રષ્ટાચારના વિવિધ કૃત્યો કર્યા હતા. ઘાડગેએ દાવો કર્યો હતો કે જેમની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી એ અમુક વ્યક્તિ સામે ચાર્જશીટ દાખલ ન કરવા માટે સિંહે પૂછ્યું હતું.હાલ અકોલા પોલીસ ક્ધટ્રોલ રૂમમાં કાર્યરત ઘાડગેએ આરોપ કર્યો હતો કે પરમબીર સિંહની સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કરતાં મારી સામે પાંચ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી અને મને સસ્પેન્ડ કરાયો હતો.