મુંદરા લાલચંદન કાંડ : ઈડીની તવાઈ : એકસપોર્ટરો સામે દાણચોરીની ફરિયાદ

મુંદરાથી માર્બલ સ્લેબની આડમાં લાલચંદનની નિકાસ કરીને હોંગકોંગ રવાના કરાતા ચાર કન્ટેનરો કરાયા હતા જપ્ત : યુરો એકસપોર્ટના માલિક સહિતના ત્રણ સામે દાણચોરીના કેસ સંદર્ભે કરાઈ કાર્યવાહી

કંડલા અને મુંદરા પોર્ટ પરથી સૌથી વધારે દાણચોરીની થાય છે પેરવી : સ્થાનિક ક્લિયરીંગ એજન્ટ અને અધિકારીઓની મીલીભગતની આશંકા : કચ્છના બંદરો પરથી કરાતી આ રીતની દાણચોરી પર સકંજો કસાય તે અનિવાર્ય

(બ્યુરો દ્વારા) ભુજ : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) દ્વારા જયપુરથી લાલચંદનની કરાયેલી દાણચોરીના કેસમાં દિલ્હી અને જયપુર અને થાઈલેન્ડની નાગરિકતા ધરાવતા શખ્સ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અંગેની વિગતો મુજબ એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટ તપાસ એજન્સીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દિલ્હીના અનીલ ગાડોડીયા, જયપુરના યુરો એકસપોર્ટના માલિક રામેશ્વર શર્મા અને થાઈલેન્ડની નાગરિકતા ધરાવતા મયુર રંજન વિરૂદ્ધ લાલચંદનની દાણચોરી અંગેની ફરિયાદ નોધાવવામાં આવી છે. આ કેસમાં આરોપીઓની ૧.૪૪ કરોડની જંગમ મિલ્કત અગાઉથી જ સીઝ કરવામાં આવી છે. કેન્દ્રિય નાણાકીય એજન્સીએ જયપુરના મુખ્ય મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટની કોર્ટ સમક્ષ અનીલ ગાડોડીયા, રામેશ્વર શર્મા અને અન્ય આરોપીઓ સામે પ્રોસીક્યુશન ફરિયાદના આધારે ચાર્જશીટ સમાન ગુનો દાખલ કરાવ્યો હતો. આ ઉપરાંત ડીઆરઆઈ દ્વારા આ મામલામાં આરોપીઓને શોકોઝ નોટીસ પણ જારી કરવામાં આવી છે. મની લોન્ડરીંગની તપાસમાં બહાર આવ્યું છે કે, જયપુરના યુરો એકસપોર્ટના માલિક રામેશ્વર શર્માએ અન્ય આરોપીઓ સાથે મળીને દિલ્હીના અનીલ ગાડોડિયા દ્વારા પુરા પાડવામાં આવતા લાલચંદનની નિકાસ કરવાનો પ્રયાસ કર્યો હતો.ઈડીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, થાઈલેન્ડનો એક નાગરીક લાલચંદનની ખરીદી કરતો હતો. વિદેશ વ્યક્તિના ઈશારે કાર્યવાહી કરવામાં આવતી હતી. જ્યારે મયુર રંજન અનુવાદક તરીકેની કામગીરી કરી આરોપીઓને મદદગારી કરતો હોવાનું ઈડીએ નોંધ્યું હતું. તો ડીઆરઆઈ દ્વારા આ કેસમાં મુંદરા બંદરેથી માર્બલ સ્લેબની આડમાં લાલચંદન છુપાવીને હોંગકોંગમાં નિકાસ કરવામાં આવતું હતું. જેમાં ડીઆરઆઈએ આવા ચાર કન્ટેનરો કબજે કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, કંડલા અને મુંદરા પોર્ટ પરથી સૌથી વધારે આ પ્રકારની દાણચોરીની પેરવી કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક ક્લિયરીંગ એજન્ટ અને અધિકારીઓની મીલીભગતની આશંકાઓ પણ સેવાઈ રહી છે, ત્યારે કચ્છના બંદરો પરથી કરાતી આ પ્રકારની દાણચોરી પર સકંજો કસાય તે અનિવાર્ય છે.