મુંદરા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા રોગ અટકાયતી પગલાં લેવાયા

0
56

તકેદારીના ભાગરૂપે પાલિકા દ્વારા દવા છંટકાવ, સફાઈ અભિયાન અને માટી પુરવાની કામગીરી હાથ ધરાઈ : આરોગ્યતંત્રે ઘરે-ઘરે ફરીને સર્વેલન્સ દ્વારા રોગ અટકાયતી કામગીરી કરી : વરસાદના વિરામ બાદ પાણીજન્ય રોગચાળો ન વકરે તે માટે તંત્ર સાબદું બન્યું

કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સાથે મુન્દ્રા શહેરમાં વરસાદી માહોલ બાદ મચ્છર જન્ય તેમજ પાણી જન્ય બીમારી ન ફેલાય તે માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને વરસાદી પાણી જ્યાં જ્યાં ભરાયા છે ત્યાં નિકાલ સહિતની કામગીરી અને મચ્છરો ઉત્પત્તિ થઈ શકે તેવી જગ્યાઓ પર જંતુનાશક દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે. સાથે મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગો ન ફેલાય તે માટે આરોગ્યતંત્ર દ્વારા ઘરે-ઘરે ફરીને રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.

નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી મહેન્દ્ર સોલંકી તથા પ્રમુખશ્રી કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેનશ્રી ડાયાલાલ આહીર, સેનિટેશન ચેરમેનશ્રી ધર્મેન્દ્રસિંહ ઝાલા, સ્થાનિક સભ્ય તૃપ્તિબેન પ્રકાશભાઈ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સેનિટેશનની ટીમ દ્વારા મુન્દ્રાના ઓસવાળ શેરી વિસ્તારમાં વરસાદના પગલે થયેલી ગંદકી ટેક્ટર દ્વારા ઉઠાવાઈ હતી તથા માટી દ્વારા રસ્તાને સમતળ કરવામાં આવેલ અને માખી-મચ્છરના ઉપદ્રવથી બચવા જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં શહેર મંત્રીશ્રી પ્રકાશભાઈ ઠકકર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઈઝરશ્રી પ્રકાશભાઈ ઠકકર અને સ્થાનિક જૈન અગ્રણીશ્રી ભોગીલાલ મહેતા સાથે રહ્યા હતા.

નગરપાલિકાના સફાઈ વિભાગના ઇન્ચાર્જશ્રી નવીન મકવાણાએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે દરેક વોર્ડમાં પૂરતા પ્રમાણમાં જંતુનાશક દવાનો જથ્થો ઉપલબ્ધ છે અને અન્ય વોર્ડમાં પણ આગામી દિવસોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવશે આ માટે સ્થાનિક વોર્ડના સભ્ય અથવા નવીનભાઈના મોબાઈલ નંબર ૬૩૫૯૦૪૯૩૧૭ પર સંપર્ક કરવા જણાવાયું છે.