મુંદરા ચકચારી જમીન કૌભાંડ : જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કરો કાર્યવાહી

મુંદરા – બારોઈ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક સહિતના આગેવાનો જિલ્લા સમાહર્તાને રજૂઆત કરવા પહોંચ્યા

ભુજ : મુંદરામાં સરકારી જમીનના આચરાયેલા ૮૦ કરોડના કૌભાંડના કચ્છભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. આ કૌભાંડમાં ભૂમાફિયાઓની સાથોસાથ સરકારી બાબુઓ પણ સામેલ છે ત્યારે જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવાની માંગ સાથે રજુઆત કરવા મુંદરા – બારોઈ નગરપાલિકાના નગરસેવક સહિતના આગેવાનો કલેકટર કચેરીએ પહોચ્યા હતા.મુંદરા – બારોઈ નગરપાલિકાની ચૂંટાયેલ બોડી સત્તા સ્થાન સંભાળે તે પૂર્વે વહીવટદાર શાસનમાં સરકારી માલિકીની ખુલી જમીનો આકરણી રજીસ્ટરે અનઅધિકૃત ચડાવી બોગસ માલિકી હક્કો આપી ૮૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવેલ છે ત્યારે આ કૌભાંડમાં સામેલ લોકો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવામાં તંત્ર ઢીલી નીતિ અપનાવી રહ્યું હોઈ જો ર૦ દિવસમાં કાર્યવાહી કરવા હુકમ નહીં કરાય તો મુંદરા – બારોઈ નગરપાલિકાના કોંગી પ્રતિનિધિઓ અનશન ઉપવાસ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ધારાશાસ્ત્રી અને મુંદરા – બારોઈ નગરપાલિકાના નગર સેવક કાનજીભાઈ સોંધરાએ વિગતો આપતા જણાવ્યું કે, મુંદરામાં ૮૦ કરોડનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. સરકારી જમીનના બોગસ દસ્તાવેજો બની ગયા છે. તલાટી, ચીફ ઓફિસર સહિતનાઓના હાથ નીચે આ કૌભાંડ આચરાયું છે ત્યારે ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે કાર્યવાહી કરવા અમારી માંગણી છે. જો જવાબદારો સામે પગલાં નહીં ભરાય તો મુંદરા – બારોઈ નગરપાલિકાના કોંગ્રેસી કાઉન્સીલર સહિતના આગેવાનો ભુખ હડતાલ પર ઉતરશે. મુંદરા ગ્રામ પંચાયતના માજી સદસ્ય રમેશભાઈ કુંવરીયાએ કહ્યું કે, સરકારી કિંમતી જમીન ખાનગી લોકોને આપી દેવાઈ છે અને બોગસ દસ્તાવેજો પણ બનાવાયા છે. આ કૌભાંડમાં સામેલ જવાબદારો સામે કાર્યવાહી નહીં કરાય તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવાશે. આ વેળાએ ભરત પાતારીયા, અનવર ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસી કાઉન્સીલરો આવેદનપત્ર પાઠવવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.