મુંદરાના નાના કપાયામાં પિતાએ પુત્રનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતાર્યો

મૂળ નેપાળી અને હાલ મુંદરામાં રહેતા પરિવારનો ચકચારી કિસ્સો આવ્યો સામે : સમાજના લોકોને પુત્રનુ મોત થયાનું જણાવીને દફનવિધિ પણ કરી નાખી : આરોપીની છ વર્ષિય પુત્રીએ કહ્યુ કે, તેના પિતાએ તેના ભાઈને મારી નાખ્યો : બનાવને પગલે મુંદરા પોલીસે બાળકનો મૃતદેહ કાઢીને પી.એમ માટે જામનગર મોકલાવ્યો

મુંદરા : અહીના નાના કપાયામાં પિતાએ પોતાના 9 વર્ષિય માસુમ પુત્રનું ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. પિતાએ પુત્રને પતાવીને સમાજના લોકોને પુત્રનુ મોત થયુ હોવાનું જણાવીને દફનવિધિ પણ કરી નાખી હતી. જો કે બાદમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થતા મુંદરા પોલીસે તપાસ આદરી છે.

મૂળ નેપાળના અને હાલ મુંદરામાં રહેતા પરિવારમાં બનેલી ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. મુંદરા પોલીસ મથકે નોંધાયેલી જાણવા જોગ નોંધ પરથી મળેલી વિગતો મુજબ 9 વર્ષિય દિનેશ હરીશ કામીનું મોત નીપજ્યુ છે. અને તેની હત્યા તેના પિતા દ્વારા જે કરાઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની વિગતે વાત કરીએ તો મુંદરા પોલીસને ઘટનાની જાણ મૂળ નેપાળના અને હાલ મુંદરામાં રહેતા નયનસિંઘ લક્ષ્મણસિંઘ કામીએ કરી હતી. જેને આધારે પોલીસે આપેલી વિગતો મુજબ નયનસિંઘને તેના ભત્રીજા અને આરોપી પિતા એવા હરીશ કામીનો ફોન આવ્યો હતો કે, તેના 9 વર્ષિય પુત્ર દિનેશ હરીશ કામીનું મોત થઈ ગયુ છે. અને સ્થાનિકે મુંદરા અને આસપાસમાં વસતા નેપાળી સમાજના અન્ય લોકોને બાળકના મોતની જાણ કરાઈ છે. મૃત્યુ બાદ મંગળવારે બપોરે નાના કપાયાના તળાવ પાસે બાળકની દફનવિધિ પણ કરી દેવાઈ હતી.

તમામ વિધિઓ પૂરી થયા બાદ બધા ઘેર આવ્યા ત્યારે આરોપીની છ વર્ષિય પુત્રી રીતુએ કહ્યુ હતુ કે, તેના પિતાએ તેના ભાઈને ગળુ દબાવીને મારી નાખ્યો છે. ત્યારે સમાજના લોકો ચોંકી ઉઠ્યા હતા. પિતાએ જ પુત્રની મારી નાખવાની બાબત સામે આવતા નયનસિંઘ લક્ષ્મણસિંઘ કામીએ મુંદરા પોલીસને બનાવની જાણ કરી હતી. જેને પગલે મુંદરા પી.એસ.આઈ બી.જે ભટ્ટ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પી.એસ.આઈ બી.જે ભટ્ટે આપેલી વિગતો મુજબ હતભાગી બાળકના મૃતદેહને બહાર કાઢીને પી.એમ માટે જામનગર ખસેડાયો છે. પ્રથમિક વિગતો મુજબ હાલ તો 6 વર્ષિય બાળકીના જણાવ્યા પ્રમાણે પિતાએ તેના પુત્રનું ગળુ દબાવીને મારી નાખ્યો છે. પુત્ર બીમાર રહેતો હોવાથી તેનું મોતે નીપજાવાયુ હોવાનું જાણવા મળ્યુ છે. પરંતુ મોત કઈ રીતે થયુ તેની ચોક્કસ વિગતો પી.એમ રીપોર્ટના આધારે જાણી શકાશે. માટે હાલ તો માત્ર જાણવા જોગ નોંધ કરીને તપાસ હાથ ધરાઈ હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.