મુંદરાના દેસલપર(કંઠી) નજીક જીપે બાઈકને હડફેટમાં લેતા યુવાનનું મોત

મુંદરા : તાલુકાના દેસલપર કંઠી નજીક પેટ્રોલ પંપ પાસે જીપ ચાલકે બાઈકને હડફેટમાં લેતા નાની ખાખરના યુવાનનું મોત ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવને પગલે મુંદરા પોલીસે ઘટના સ્થળે ધશી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુંદરા તાલુકાના દેસલપર કંઠી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મહિન્દ્રા એસયુવી જીપે જી.જે ૧૨ ઈ.એફ ૬૭૫૦ નંબરની બાઈકને હડફેટમાં લેતા આશાસ્પદ યુવાનનું મોત નીપજ્યુ હતુ. પોલીસ સુત્રોએ આપેલી વિગતો મુજબ નાની ખાખરમાં રહેતા પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ ઝાલાનું આ ગોજારા અકસ્માતમાં મોત થયું હતું. હતભાગી મુંદરાની એલાયન્સ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.ગત ઢળતી સાંજે પોતાની ફરજ પરથી ઘેર પરત ફરતો હતો તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે મુંદરા પોલીસ મથકના પીએસઆઈ બી.જે. ભટ્ટ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો.