મિલકત વેરા માફી યોજના : કચ્છમાં રાહત મુદ્દે તંત્ર અવઢવમાં

  • વેરા વિભાગના ચોપડે હોટેલ-રેસ્ટોરન્ટની નોંધણી ન હોય તો માફી કેમ આપવી ?
    ભુજમાં અંદાજે ૧૩૦ જેટલા હોટલ, રેસ્ટોરેન્ટ તેમજ રીસોર્ટ નોંધાયેલા છે અનેે ન નોંધાયા હોય તેનો આંકડો પણ મોટો છે

ભુજ : રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના કાળમાં પ્રજાલક્ષી કામો અવિરત જારી રાખ્યા છે. ગૌશાળા, પાંજરાપોળને રાહત આપ્યા બાદ એક પછી એક વેપારીઓને પણ કેવી રીતે રાહત થાય તેવા પગલા લઈ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હોટેલ, રેસ્ટોરેન્ટ, રીસોર્ટને મિલકત વેરા માફી જાહેર કર્યા બાદ બીજા દિવસે જીમ અને થીયેટર સહિતના અન્ય વ્યવસાયો માટે રાહતલક્ષી નિર્ણય લીધો છે. કચ્છની વાત કરીએ તો ભુજ અને ગાંધીધામ, મુંદરા, માંડવી, ભચાઉ, નખત્રાણા વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટના સારા એવા ધંધાર્થીઓ નોંધાયેલા છે. ભુજની જ વાત કરીએ તો હોટેલ, રેસ્ટોરેન્ટ અને રીસોર્ટના અંદાજે ૧૩૦ જેટલા ધંધાર્થીઓ ભુજ નગરપાલિકામાં ચોપડે બોલી રહ્યા છે. આ ધંધાર્થીઓને સરકારની મિલકત વેરા માફી યોજનાનો લાભ મળવાપાત્ર છે. પણ એવા અનેક ધંધાર્થીઓ છે જે સરકારી ચોપડે નથી બોલતા. પણ કોરોના કહેરમાં આ ધંધાર્થીઓની પરિસ્થિતિ પણ હરખાવા જેવી નથી, તે લોકોને શું લાભ થશે તે તો સરકારનું પરિપત્ર આવ્યા બાદ જાણી શકાશે. આવા ધંધાર્થીઓની પણ નોંધ લેવાય તેવું પણ એક વર્ગ ઈચ્છી રહ્યો છે. તો બીજીતરફ વેરા વિભાગના ચોપડે હોટેલ-રેસ્ટોરન્ટની નોંધણી ન હોય તો માફી કેમ આપવી? તે મુદ્દે પણ તંત્ર અવઢવમાં મુકાયું છે.આ અંગેની વિગતો મુજબ રાજ્ય સરકારે કોરોના કાળ દરમિયાન ધંધાઓ બંધ રહેતા લોકોને મોટી નુકશાની વેઠવી પડી છે. જેમાં ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, સ્વીમીંગ પૂલ, જીમ, થીયેટર સહિતના અનેક ધંધાર્થીઓ છેલ્લા દોઢ વર્ષથી નુકશાની સહન કરી રહ્યા છે.આથી તેઓને મિલકત વેરામાં માફી આપવાની જાહેરાત સરકારે કરી છે. જેની અમલવારી કચ્છની નગરપાલિકા અને ગ્રામ પંચાયતો દ્વારા કરવાની હોય છે. ભુજ નગરપાલિકાના વેરા વિભાગમાં તપાસ કરતા શહેરની અંદાજે ૧૩૦ જેટલી હોટલ, રેસ્ટોરેન્ટ અને રીસોર્ટ નોંધાયેલી છે. પણ ન નોંધાયેલી હોય તેવા ધંધાર્થીઓને કેવી રીતે લાભ મળશે તે મુદ્દે તંત્ર પરિપત્ર આવ્યા બાદ યોગ્ય નિકાલ લાવી શકશે.જાણવા મળતી વિગતો મુજબ જે મિલકત વ્યકિતગત નામથી હોવાને કારણે વ્યકિતગત વેરો ભરતા હોય વેરામાં માફી કઈ રીતે આપવી તે બાબતે વેરા વિભાગે ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે તેમ જાણવા મળેલ છે. વેરા વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ, કાર્પેટ એરિયા આધારીત વેરા પધ્ધતિ અમલમાં આવ્યા બાદ વેરા વિભાગ દ્વારા રહેણાંક હેતુ સિવાયની મિલકતોનું અલગ અલગ કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાઓના કે એકમોના નામ મુજબ કેટેગરી નકકી થઈ છે. પરંતુ, તમામ એકમોનો વેરો તેમના માલીકના નામથી ભરપાઈ થતો હોય છે.કાર્પેટ એરિયા આધારીત પધ્ધતિ અમલમાં મૂકતા રહેણાંકના હેતુ સિવાયની મિલકતોમાં બેંક,
ી.કં. અને બોર્ડ નિગમ, કોમર્શિયલ, ઓટો ગેરેજ, સર્વિસ સ્ટેશન, એક્સપ્લોઝીવ એક્ટ હેઠળ નોંધાયેલા ગોડાઉન, ઈન્ડસ્ટ્રીયલ, ગ્રાન્ટ મેળવતી શૈક્ષણિક સંસ્થાઓ/હોસ્ટેલો (ટ્રસ્ટ સંચાલિત), ખાનગી શૈક્ષણિક સંસ્થા/હોસ્ટેલ, જાહેર ટ્રસ્ટો દ્વારા નહીં નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોસ્પિટલો, અન્ય હોસ્પિટલો, મેરેજ-કોમ્યુનિટી હોલ (ટ્રસ્ટ/જ્ઞાતિ સંચાલિત અને માલીકીના) અને મેરેજ/કોમ્યુનિટી સહિતની અલગ અલગ કેટેગરી હોય છે. વેરા વિભાગના જણાવ્યા મુજબ,કાર્પેટ એરિયામાં વ્યકિતગત નામથી વેરા બિલ ઈશ્યુ થતાં હોય છે. આથી જ્યારે રાજ્ય સરકારે હોટલ-રેસ્ટોરન્ટને મિલકત વેરામાં માફી આપવાની જાહેરાત કરી છે. ત્યારે પરિપત્રના નિયમો જાણ્યા બાદ કાર્યવાહી કઈ રીતે કરવી તેનો નિર્ણય લેવામાં આવશે. હાલ ફૂડ વિભાગ પાસે તમામ હોટલ-રેસ્ટોરન્ટની એડ્રેસ સહિતની માહિતી માંગવામાં આવી છે. કારણ કે, ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા હોય તે તમામ એકમોને ફૂડ લાયસન્સ લેવું ફરજીયાત છે. આથી આ પ્રકારના એકમોનીયાદી ફૂડ વિભાગ પાસે હોય વેરા વિભાગ તમામ માહિતી લીધા બાદ વેરા બિલ સાથે લિંકઅપ કરી મિલકત વેરામાં માફી કઈ રીતે આપવી તેનો નિર્ણય લેશે. તેમણે વધુમાં જણાવેલ કે હાલ શહેરમાં અનેક ઘરોમાં લોજિંગ તેમજ અન્ય ફાસ્ટફૂડ વેચવાની કામગીરી થઈ રહી છે. જેની માહિતી ફૂડ વિભાગ અને વેરા વિભાગ પાસે ન હોવાથી સંભવતઃ હોટલ-રેસ્ટોરન્ટ સહિત આ પ્રકારના એકમોનો પણ સર્વે કરવો પડે. આથી ફાઈનલ રાજ્ય સરકારના પરિપત્ર આવ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે.

સરકારની રાહતમાં અંતે તંત્રને જ ફાયદો

ભુજ : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલી રાહતોથી અંતે તંત્રને જ ફાયદો થાય તેવા ચિહ્નો દેખાઈ રહ્યા છે. રાજ્ય સરકારે હોટલ-રેસ્ટોરેન્ટ, વોટર પાર્ક સહિતના એકમોને મિલકત વેરામાં માફીની જાહેરાત કરી છે. ત્યારે વેરો ન આવતાં પાલિકાની આવકમાં મોટુ ગાબડુ પડશે જેની સામે રાજ્ય સરકાર ગ્રાન્ટ ચૂકવશે પરંતુ, વેરા વિભાગને અન્ય રીતે પણ મોટો ફાયદો થશે તેમ જાણવા મળેલ છે. કારણ કે, શહેરમાં અનેક ઘર તેમજ પાર્કિંગમાં હોટલ રેસ્ટોરન્ટ ચાલુ થઈ ગયા છે. જેનો વેરો રહેણાંક મુજબ ભરવામાં આવી રહ્યો છે. આથી ફૂડ લાયસન્સની વિગત મેળવ્યા બાદ આ પ્રકારના રહેણાંકમાં ધમધમતા અનેક એકમોની વિગત બહાર આવતાં તેમને કોમર્શિયલમાં ભેળવી દેવામાં આવશે. પરિણામે મનપાની આવકમાં આગલા વર્ષે મોટો ફાયદો જોવા મળશે તેમ જાણવા મળેલ છે.