માલિકની સામે ગાડી ચોરનાર શખ્સને ગાંધીધામ પોલીસે દબોચ્યો

વિશ્વાસઘાત કરી મહિન્દ્રા એક્સયુવી 500 ગાડી લઈ જનાર શખ્સને પોલીસે નરોડાથી પકડ્યો

ગાંધીધામ : શહેરમાં ગાડી વેંચાણથી લેવાના બહાને ગાડીની ઉઠાંતરી કરનારા શખ્સને સ્થાનિક પોલીસે અમદાવાદના નરોડાથી ઝડપી પાડી 4 ગુનાનો ભેદ ઉકેલી લીધો છે.

આ અંગેની વિગતો મુજબ ગત 17-5ના ફરિયાદી ભાવિનભાઈ ઈશ્વરલાલ ઠક્કરને આદિપુરથી બંટી મગનાની નામના શખ્સે ફોન કર્યો હતો. અને કહ્યું હતું કે, તમે જે મહિન્દ્રા એક્સયુવી કાર વેંચવા મુકી છે તે મારે લેવી છે… તેવું કહી ફરિયાદીને લીલાશા નગરમાં આવેલ વરૂનીસા કોમ્પલેક્ષ પાસે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચતા કાર ગેરેજમાં દેખાડી આવું તેવુ કહી આરોપી વાહન લઈ નાસી છુટ્યો હતો. ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થયાનું માલુમ પડતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જે અનુસંધાને પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી કુખ્યાત આરોપીને અમદાવાદના નરોડાથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આદિપુરના છવાડી વિસ્તારમાં રહેતા પ્રદિપ ઉર્ફે બંટી ચંદ્રસેન મંગવાણીની ધરપકડ કરી છે. જેની પાસેથી જીજે 12 સીડી 8009 નંબરની એક્સયુવી 500 કાર પણ કબ્જે કરાઈ છે. આરોપી ગાડી વેંચાણ લેવાનું કહી ગાડી ગેરેજમાં દેખાડવાના બહાને લઈ જઈ મોટા શહેરોમાં ગીરવે અથવા વેંચાણે આપી રૂપિયા લેવાની મોડસ ઓપરેન્ટી ધરાવે છે. આરોપી સામે આદિપુરમાં બે અને ગાંધીધામ એ ડિવિઝનમાં બે ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પીઆઈ ડી.એમ ઝાલા અને સ્ટાફ જોડાયો હતો.