મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાન-૨૦૨૧ – ભચાઉ નગરપાલિકા

પ્રજા માનસમાં જનપ્રતિનિધિ તમારી સાથે છે એ ભાવ લાવીએ- રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિર ભચાઉના સાત વોર્ડ પૈકી ચાર વોર્ડમાં કોવીડ કેર સેન્ટર કાર્યરત

કોવીડ-૧૯ના હોમ આઇસોલેશન દર્દીઓથી ઘરના અન્ય સદસ્યોને સંક્રમણ થતું અટકાવવા માટે લોકભાગીદારીથી શહેરી વિસ્તારમાં કોવીડ કેર સેન્ટર શરૂ કરવાના મારો વોર્ડ કોરોના મુકત વોર્ડ અભિયાન હેઠળ આજરોજ ભચાઉ નગરપાલિકા કોવીડ કેર સેન્ટરનો રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પ્રારંભ કરાવ્યો હતો.
દુધઇ રોડ રેલવે ફાટક પાસે આહિર સમાજવાડી ભચાઉમાં પ્રારંભ કોવીડ કેર સેન્ટરમાં હાલે ૧૦ બેડની સુવિધા છે તેમજ જરૂર પડે ૫૦ જેટલી બેડની વ્યવસ્થાઓ પણ કરી શકાય એમ છે. જન સહયોગથી પ્રારંભ આ સેન્ટરોથી સ્થાનિક લોકોને ઘર આંગણે જ સારવાર મળી શકશે એમ રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું.
સામાજિક શૈક્ષણિક અને પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિકોની પડખે ઉભા રહી સેવા કરવાની જવાબદારી નિભાવી પ્રજામાનસમાં જનપ્રતિનિધિ તમારી સાથે છે એવા ભાવ લાવીએ.
મંત્રીશ્રીએ આ તકે મ્યુકરમાઈકોસીસ-બ્લેક ફંગસ અંગે પણ વિગતવાર રજુઆત કરી તમામને સરકારને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે ભચાઉનાં ચાર જેટલા અન્ય કોવીડ કેર કાર્યરત કરવા તેમજ જે કોવીડ-૧૯ની સારવાર હેઠળ છે તેમને સમાજ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને બનતી દરેક સેવા કરવા આ તકે અનુરોધ કર્યો હતો.
સમાજ અગ્રણી અરજણભાઇ રબારીએ ભચાઉમાં થઇ રહેલી કોવીડ-૧૯ની કામગીરી બાબતે વહીવટી તંત્ર અને સામાજિક કાર્યકરોની વિગતો જણાવી હતી.


નગરપાલિકા ઉપપ્રમુખશ્રી ભરતસિંહ જાડેજાએ નગરપાલિકાની કોરોના અર્થે થયેલી કામગીરી તેમજ વ્યવસ્થાનો પ્રારંભ કરવા આપેલ આહિર સમાજવાડી બદલ સમાજનોઆભાર માન્યો હતો.
આ તકે નગરપાલિકા પ્રમુખ કલાવંતીબેન જોશી, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, કારોબારી ચેરમેનશ્રી શેરઅલી સૈયદ, શાસક પક્ષના નેતા કુલદીપસિંહ જાડેજા, આહિર સમાજના અગ્રણી પ્રમુખશ્રી ગોપાલભાઇ છાંગા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી રાજેન્દ્ર ઠકકર, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી પી.એ.જાડેજા, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પી.એ .ચાવડા ,તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ, નગરપાલિકા ઈજનેરશ્રી એસ.ડી.ઝાલા, અગ્રણી સર્વશ્રી વિકાસ રાજગોર, રાજેન્દ્ર ઠકકર, અરજણભાઇ રબારી, વાઘજીભાઇ છાંગા, નગરપાલિકાના કાઉન્સીલરશ્રીઓ, સભ્યોશ્રીઓ અને સંગઠનના હોદેદારશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.