નગરપાલિકા દ્વારા બજારોને કરાઈ સેનેટાઈઝ : ભુજ ધારાસભ્ય તેમજ નગરપતિએ સ્વયંભુ લોકડાઉનને મળેલા સમર્થન બદલ તમામ વેપારીઓ તેમજ શહેરની પ્રજાનો માન્યો આભાર

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાના વધી રહેલા કેસોને પગલે સંક્રમણની ચેઈન તુટે તે હેતુથી સ્વૈચ્છિક લોકડાઉનના લેવાયેલા નિર્ણયને પગલે આજે પ્રથમ દિવસે બંધને સફળ પ્રતિસાદ સાંપડયો હતો. શહેરની બજારો બંધ રહેતા માર્ગો સુમસામ ભાસ્યા હતા. જો કે, શાકભાજી સહિતના કેટલાક નાના વેપારીઓએ કામ ચાલુ રાખ્યા હતા. નગરપાલિકા દ્વારા બજારોને સેનેટાઈઝ કરવામાં આવી હતી. આ અંગેની વિગતો મુજબ કચ્છમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો હોઈ પોઝિટીવ કેસનો આંક નવા નવા રેકોર્ડ સર્જી રહ્યો છે. જિલ્લામાં નોંધાઈ રહેલા કેસો પૈકી સૌથી વધુ ભુજમાં નોંધાઈ રહ્યા હોઈ શહેરમાં ચિંતાનો માહોલ છવાયો છે. કોરોનાની ચેઈન તોડવાની સાથોસાથ લોકો સુરક્ષિત રહે તે માટે લેવાયેલા સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયને વિવિધ વેપારી સંગઠનો તેમજ પ્રજાકીય પ્રતિનિધિઓ તરફથી સમર્થન મળતા આજથી ત્રિ-દિવસીય સ્વૈચ્છિક લોકડાઉનનો પ્રારંભ થયો છે. શહેરની બજારો બંધ રહેતા માર્ગો સવારથી જ સુમસામ ભાસ્યા હતા. જો કે, કેટલાક વિસ્તારમાં વેપારીઓ પોતાની બંધ દુકાનો બહાર બેસેલા પણ નજરે ચડયા હતા.
ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ જણાવ્યું કે, ભુજ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન ખુબ જ જરૂરી છે. વેપારી સંગઠનો, સંસ્થાઓ, સમાજો સાથે મિટીંગ કરી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે ત્યારે તેને ખુબ જ સારૂં સમર્થન મળ્યું છે. શહેરની બજારો બંધ છે ત્યારે નગરપાલિકા દ્વારા પણ બજારોને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ કરાઈ છે. લોકો કામ વગર ઘરોની બહાર ન નિકળે તેમજ માસ્ક અચુક પહેરે તેવી અપીલ પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે.નગરપતિ ઘનશ્યામ ઠક્કરે કહ્યું કે, સ્વયંભુ લોકડાઉનમાં તમામ લોકોનો સહયોગ પ્રાપ્ત થયો છે. જીતશે ભુજ હારશે કોરોનાની વાતને સાર્થક કરવા સ્વયંભુ લોકડાઉનને પ્રચંડ સમર્થન મળ્યું છે. બજારો બંધ છે ત્યારે સેનેટાઈઝેશનની કામગીરી પણ શરૂ કરાઈ છે. જેનો મહેરેલી ચોકથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે મહેરેલી ચોક, શરાફ બજાર, વાણિયાવાડ, પેન્શનર ઓટલા સહિતના વિસ્તારોમાં સેનેટાઈઝેશનની કામગીરી કરવામાં આવશે.ચેમ્બર પ્રમુખ અનિલ ગોરે કહ્યું કે, સંક્રમણને અટકાવવા માટે લોકડાઉન અને લોકજાગૃતિ મહત્વના વિકલ્પ છે. સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય તમામ વેપારીઓએ સાથે મળીને લીધો છે ત્યારે તેને સમર્થન મળી રહ્યો છે. તમામ સમાજોનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. દુકાનોની સાથોસાથ તમામ મોલ પણ બંધ રહ્યા છે.

  • કોણ જાણે..! આ ભવ્ય ભુજને કોની નજર લાગી…?

રાત – દિવસ ધમધમતું જિલ્લાનું વડું મથક એકાએક બન્યું શાંત

નાઈટ કર્ફયુ અને સ્વૈચ્છિક લોકડાઉનના પગલે શહેરભરમાં સન્નાટો છવાયો : સામાન્ય દિવસોમાં ટ્રાફિકના પગલે સાંકળા લાગતા શહેરના માર્ગો લોકોની અવરજવર બંધ થતા લાગી રહ્યા છે હાઈવે સમાન

કોરોનાના પગલે સખ્ત બની રહેલા નિયમો અને લાગી રહેલા નિયંત્રણોથી શહેરના અનેક વિસ્તારોની જાહોજલાલી પણ થઈ અદ્રશ્ય : પુનઃ આ શહેર અગાઉની માફક ધબકતું થાય તેવી લોકો કરી રહ્યા છે પ્રાર્થના – દુઆ..

(બ્યુરો દ્વારા)ભુજ : ‘કોણ જાણી શકે કાળને રે… સવારે કાલે કેવું થાશે..’ આ પંક્તિ જિલ્લા મથક ભુજ માટે વર્તમાન સમયે બરાબર બંધ બેસી રહી છે. કોરોનાના ઓછાયા પહેલા ઐતિહાસિક શહેર ભુજ જિલ્લાના ધબકાર સમુ હતું. વિવિધ વિસ્તારના લોકોની આવનજાવનના પગલે વહેલી સવારથી મોડી રાત સુધી આ શહેર સતત દોડતું રહેતું હતું. કોરોનાના ઓછાયાના પગલે નીતિ નિયમો કડક બનવાની સાથોસાથ સરકારી ગાઈડલાઈનો અમલી હોઈ આ ધબકાર છેલ્લા સવા વર્ષથી કયાંકને કયાંક ઓછો થયો હોય તેવું પ્રતિત થઈ રહ્યું છે. તેમાં કોરોનાની બીજી લહેરના પગલે અગાઉ નાઈટ કર્ફયુ અને હવે સ્વૈચ્છિક લોકડાઉન અમલી બનતા રાત – દિવસ ધમધમતું જિલ્લાનું વડુંમથક એકાએક ભેંકાર બનતા કોણ જાણે..! આ ભવ્ય ભુજને કોની નજર લાગી…? તેવો વસવસો શહેરના નાગરિકો વ્યકત કરી રહ્યા છે. આ અંગેની વિગતો મુજબ ભુજીયા ડુંગરના સાનિધ્યમાં વસેલું રાજાશાહી સમયનું ભુજ શહેર પોતાની અંદર અનેક ઈતિહાસો, યાદો તેમજ ધરોહરો સંગ્રહી બેઠું છે. ભૂકંપ પૂર્વે પાંચ નાકા અને છઠ્ઠી બારીમાં સિમિત આ શહેરનો વ્યાપ ભૂકંપ બાદ એવો તે વિસ્તર્યો કે ચારેય દિશાઓમાં શહેરની પાંખો સતત લંબાતી જઈ રહી છે. જિલ્લાનું પાટનગર હોવાના નામે ભુજમાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, ઉચ્ચ અધિકારીઓની કચેરી, મોટી બજારો, મોટા શોપીંગ મોલ, કચ્છ યુનિવર્સિટી, એપીએમસી, જથ્થાબંધ માર્કેટ સહિતના પ્રકલ્પો આવેલા હોઈ જિલ્લાના વિવિધ વિસ્તારના લોકોની પણ આવનજાવન ભુજમાં સતત રહેતી હોય છે. ગ્રામીણ વિસ્તાર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી દૈનિક હજારો લોકો વેપાર – ધંધાના કામો અર્થે આવતા હોઈ સામાન્ય દિવસોમાં જિલ્લાનું આ મથક ભરચક નજરે ચડતું હોય છે. વહેલી સવારથી શાકભાજી – ફળફળાદીના હોલસેલ વેપારીઓ, દુધ – છાપાના ફેરીયાઓની અવરજવર અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો દ્વારા મોર્નિંગ વોકના કારણે શહેરના અનેક માર્ગો ચહલપહલથી ધમધમી ઉઠતા હોય છે. તો દિવસ ચડતાની સાથે તો રસ્તાઓ પર તો જાણે કીડિયારૂં ઉભરાયું હોય તેમ લોકોની અવરજવર રહેતી હોય છે. જયુબીલી ગ્રાઉન્ડ, હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, ન્યુ સ્ટેશન રોડ, બસ સ્ટેશન, હમીરસર, મુન્દ્રા રોડ, આરટીઓ સર્કલ સહિતના વિસ્તારોમાં તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાતા હોય છે. મોડી રાત સુધી ધબકતું ભુજ કોરોનાના પગલે પાછલા અનેક મહિનાઓથી શાંત થયું છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર દરમ્યાન જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ શહેરમાં નોંધાનારા પોઝિટીવ કેસનો આંક સતત ઉંચો રહેતા નાઈટ કર્ફયુ તો પાછલા દિવસોથી અમલી છે જ. તેની સાથોસાથ હવે સ્વૈચ્છિક લોકડાઉન પણ અમલી બનતા શહેરભરમાં સન્નાટો છવાઈ ગયો છે. સામાન્ય દિવસોમાં ટ્રાફિકના પગલે સાંકળા લાગતા શહેરના માર્ગો લોકોની અવરજવર બંધ થતા હાઈવે સમાન લાગી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાના પગલે સખ્ત બની રહેલા નિયમો અને લાગી રહેલા નિયંત્રણોથી શહેરના અનેક વિસ્તારોની જાહોજલાલી અદ્રશ્ય થઈ ગઈ છે ત્યારે પુનઃ આ શહેર અગાઉની માફક ધબકતું થાય તેવી લોકો પ્રાર્થના – દુઆ કરી રહ્યા છે.