૧૬ ઓક્સિજન બેડ સહિત ર૮ પથારીઓ સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની કરાય છે સારવાર ઃ દાતાઓના સહયોગથી માનકુવાની હોસ્પિટલમાં સ્થાનિકે જ કોવિડની સારવાર બની સુલભ ઃ ૧૩૦ ઓક્સિજન સિલીન્ડર વસાવીને લાઈનો પાથરાઈ

ભુજ : તાલુકાના માનકુવા ખાતે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં અત્યાર સુધી રપ૦ દર્દીઓએ સારવાર મેળવીને કોરોનાને મહામારીને મ્હાત આપી છે. અહીંની હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે. ઓક્સિજન સહિતની આનુસંગિક સેવાઓ અને સંશાધનો વસાવાતા માનકુવાની હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
આ અંગેની વિગતે વાત કરીએ તો માનકુવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હરજી લાલજી લીંબાણી હોસ્પિટલ ઈ.સ.૧૯૮૭થી કાર્યરત થઈ છે. ત્રણ દાયકાથી વધુ સમયથી આ હોસ્પિટલમાં લોકોને પ્રાથમિક સારવાર સહિતની તબીબી સેવાઓ આપવામાં આવી રહી છે. પ્રવર્તમાન સમયે જ્યારે કોરોના મહામારીએ માથું ઉંચક્યું છે ત્યારે કોવિડ પોઝિટીવ દર્દીઓને હોસ્પિટલોમાં બેડ ન મળવાની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે તેને ધ્યાને લઈને ગત ર૮મી એપ્રિલથી માનકુવા ખાતેની આ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ. અહીં કોરોના પોઝિટીવ દર્દીઓને સારવાર મળે તેવી ભાવનાથી શરૂ કરાયેલી સેવામાં દાતાઓનો સહયોગ મળતા તબક્કાવાર સેવાઓ વિકસાવવામાં આવી હતી. હાલ અહીંના કોવિડ કેર સેન્ટરમાં ર૮ બેડ ઉપલબ્ધ છે, જેમાંથી ૧૬ ઓક્સિજન બેડ અને અન્ય ૧ર સામાન્ય બેડમાં કોવિડના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.
સંસ્થાના મંત્રી ગોવિંદભાઈ ભુડિયાએ ઉમેર્યું હતું કે, કોવિડની સારવાર માટે તજજ્ઞ તબીબોની પણ આવશ્યકતા રહે છે ત્યારે ત્રણ તબીબો સહિતના સ્ટાફને એપોઈન્ટ કરીને આ હોસ્પિટલમાં કોવિડની સારવાર શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં આ હોસ્પિટલમાં રપ૦ જેટલા કોવિડ પેશન્ટની સારવાર કરી તેઓને સ્વસ્થ કરાયા છે. એચઆરસીટી રિપોર્ટમાં ર૧ના સ્કોરવાળા દર્દીની પણ અહીં સારવાર કરીને તેને સ્વસ્થ કરાયા હોવાનું મંત્રી ગોવિંદભાઈ ભુડિયાએ ઉમેર્યું હતુું. સંસ્થાના પ્રમુખ હરિશભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, શરૂઆત કર્યા બાદ દાતાઓનો સાથ-સહકાર મળતો ગયો અને અહીં દર્દીઓ માટે સારી એવી સુવિધાઓ વિકસાવવામાં આવી. દર્દીઓને અહીં સવારે ચા-નાસ્તો, બપોરે ભોજન, સાંજે લીંબુપાણી, જ્યુસ તેમજ રાત્રે ભોજન અને ત્યારબાદ હળદરવાળું દૂધ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ દાતાઓ તરફથી આપવામાં આવી રહી છે. ટ્રસ્ટી ભીમજીભાઈ જાેધાણીએ જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલની પ્રેરણાથી આ હોસ્પિટલમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. અને હોસ્પિટલ માટે તંત્ર સાથે રહીને પુરા સહયોગની ખાત્રી અપાતા આ કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાઈ હતી. સાથે આ કાર્યમાં દાતાઓનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે, જેના કારણે આ સુવિધાઓ સ્થાનિકે વિકસાવી શકાઈ છે. ખાસ તો ઓસ્ટ્રેલિયા પર્થ મિત્ર મંડળ તરફથી ૧ર લાખનું અનુદાન, માનકુવા ભક્તિનગર સ્વામિનારાયણ મંદિર તરફથી ૧.૧૧ લાખ તેમજ ભારાસર સ્વામિનારાયણ મંદિર તરફથી પણ ૧.૧૧ લાખનું દાન આપવામાં આવ્યું છે.
આ ઉપરાંત અનેક નામી- અનામી દાતાઓએ પોતાનાથી બનતી યથાશક્તિ મદદ કોવિડ કેર સેન્ટર માટે કરી છે. આ કોવિડ કેર સેન્ટરમાં ડૉ. અરવિંદ પંડ્યા અને ડૉ. ભરત હિરાણી દ્વારા સેવા આપવામાં આવી રહી છે ત્યારે તબીબોએ ઉમેર્યું હતું કે, અહીંના કોવિડ કેર સેન્ટરમાં સારી એવી સુવિધાઓ ઉભી કરાઈ છે. પુરૂષ અને સ્ત્રીઓ માટે અલગ-અલગ વોર્ડ ઉભા કરાયા છે. અગાઉ પોઝિટીવ દર્દીઓનો ગ્રાફ ઉંચો હતો. છેલ્લા ૧૦ દિવસથી રેશિયો ઘટ્યો છે. લોકોમાં જનજાગૃતિ ફેલાવવા માટે ત્રણ દિવસ નિઃશુલ્ક રેપીડ ટેસ્ટ કેમ્પ પણ યોજાયો હતો, જેમાં ૧૩૦૦થી વધુ લોકોના ટેસ્ટ કરાયા હતા, તેમાંથી પોઝિટીવ આવનાર દર્દીઓ પૈકી હોમ ક્વોરેન્ટાઈન રહીને સ્વસ્થ થઈ જાય તેવા દર્દીઓને દવા અને તબીબી સલાહ અપાઈ હતી, તો દાખલ કરવા લાયક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને જરૂરિયાત પ્રમાણેની ચિકિત્સા કરવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર મેળવનાર દર્દીઓના સ્વજનોએ પણ અહીં અપાતી તબીબી સેવાને બિરદાવી હતી.
માનકુવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હરજી લાલજી લીંબાણી હોસ્પિટલના પ્રમુખ તરીકે હરિશભાઈ ભંડેરી, ટ્રસ્ટી તરીકે ભીમજીભાઈ જાેધાણી, મનજીભાઈ કેરાઈ, મંત્રી ગોવિંદભાઈ ભુડિયા, ખજાનચી કાનજીભાઈ હિરાણી તેમજ વ્યવસ્થાપક તરીકે ગૌરવભાઈ કોટડિયા સહિતના સેવા આપી
રહ્યા છે.