માનકુવા પોલીસે સામત્રામાં લગ્નની રમઝટમાં પાડ્યો ભંગ

માસ્ક વગર 30થી 35 માણસો ડીજેના તાલે રમતા હતા દાંડીયારાસ : મંજૂરી વગર આયોજન કર્યું હોવાથી 35 હજારનું ડીજે કરાયું કબ્જે

ભુજ : હાલ કોરોના કાળમાં સરકારે લગ્ન પ્રસંગોમાં 50 વ્યક્તિની મર્યાદા નક્કી કરી છે. જો કે લગ્નના ઉત્સાહમાં પરિવારજનો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી શક્તા નથી. ભુજ તાલુકાના સામત્રા ગામે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. પરિવારે લગ્ન પ્રસંગનું આયોજન કરી ઘેર જ દાંડીયારાસનો કાર્યક્રમ રાખ્યો હતો. જો કે પરિવારજનો દાંડીયારાસના તાલે ઝુમતા રહ્યા, પણ માસ્ક ન પહેરતા કોવિડનું સંક્રમણ ફેલાવાની ભીતિ ઉભી થઈ હતી. માનકુવા પોલીસે સામત્રા ગામે રાત્રે લગ્નમાં ચાલતા દાંડીયારાસના રંગમાં ભંગ પાડ્યો હતો. માનકુવા પોલીસને સામત્રા ગામે લગ્નમાં મોટી સંખ્યામાં લોકો ડીજે સિસ્ટમ પર દાંડીયારાસ રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પીઆઈ એમ.આઈ બારોટ તેમજ હેડ કોન્સટેબલ અશોકભાઈ પટેલ અને તેમની ટીમ સામત્રા ગામે રાત્રે દોડી ગઈ હતી. વાડાસર રોડ પર આવેલ અનિલપુરી રમેશપુરી ગોસ્વામીના ઘર પાસે 30થી 35 સ્ત્રી-પુરૂષો મોઢે માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર એકઠા રહીને ડીજે સિસ્ટમ પર દાંડીયારાસ રમતા હતા. લગ્ન પ્રસંગમાં ડીજે સિસ્ટમ લગાડવાની પૂર્વ મંજૂરી લેવાઈ ન હોવાથી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો. આરોપી અનિલપુરી ગોસ્વામી સામે એપેડેમિક ડીસીજ એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. તેમજ 35 હજારનું ડીજે પણ કબ્જે કરાયું છે. આ કાર્યવાહીમાં પીઆઈ બારોટ સાથે સ્ટાફના અશોકભાઈ પટેલ, ભાવેશભાઈ, મહેશભાઈ, ભાવસંગજી, ભુરાભાઈ સહિતના જોડાયા હતા.