ભુજ : તાલુકાના માધાપરમાં તેમજ માંડવીના મચ્છીપીઠ વિસ્તાર અને મુન્દ્રાના મોટી ભુજપુરમાંથી દારૂની બાટલીઓ સાથે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. છુટી છવાઈ દારૂની બોટલો કબજામાં રાખનાર આરોપીઓની પોલીસે અટક કરી ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ભુજ શહેર બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના નળવાળા સર્કલની બાજુમાં આવેલી ગલીમાંથી આરોપીઓ વિવેક અતુલભાઈ મારૂ (ઉ.વ. ર૩, રહે. કચ્છ મિત્ર કોલોની, યક્ષ મંદિરની બાજુમાં, માધાપર)ની અંગ્રેજી દારૂની એક બોટલ સાથે અટક કરવામાં આવી હતી. તો માંડવી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મચ્છીપીઠ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન આરોપી હિતેશ વાલજી મહેશ્વરી (ઉ.વ. ર૦)ના કબજાના રહેણાક મકાનમાંથી દારૂની ચાર બોટલ કબજે કરવામાં આવી હતી. આરોપી હિતેશની પોલીસે અટક કરી હતી. જ્યારે શરાબનો જથ્થો આપનાર આરોપી વિનોદ અજીતસિંહ ચુડાસમા સ્થળ પર હાજર ન મળતા બન્ને સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, તો આ તરફ મુન્દ્રા તાલુકાના મોટી ભુજપુરમાંથી આરોપી ગજુભા બલુભા જાડેજા (ઉ.વ. ૩૧)ના કબજામાંથી પોલીસે એક બોટલ કબજે કરી હતી. ગજુભાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પોપટભા જાડેજા દારૂની બોટલ આપી ગયો હતો. દારૂની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ જીજે૧ર-ઈએ-૬૭૦૯ નંબરની બાઈક પોલીસે કબજે કરી હતી. જ્યારે રેડ દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ નાસી જતા પોલીસે બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.