માધાપર નવાવાસ ખાતે આવેલા ત્રિકોણ બાગમાં વૃક્ષારોપણ કરાયું

માધાપર : પર્યાવરણ દિન નિમિત્તે માધાપર નવાવાસ ખાતે આવેલ ત્રિકોણબાગમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે નવાવાસના ઉપસરપંચ અરજણભાઈ ભુડિયાએ જણાવેલ હતું કે, ચાર વર્ષ પૂર્વે અહીં વૃક્ષારોપણ કરાયું હતું, જે વૃક્ષોની માવજતના કારણે આજે ઘટાદાર વૃક્ષો લોકો માટે આર્શીવાદરૂપ સાબિત થયા છે. એક વાત કરતા આનંદ થાય છે કે વૃક્ષો ઉછેરના અભિયાનને વેગ અપાશે. તેઓએ જણાવ્યું હતું કે, ભુજના ભારતીય લશ્કરી દળ પાસેના વહેણથી નર્મદા પાણીના વેસ્ટ કચરા વાળું પાણી માધાપર નવાવાસના વહેણ સુધી આવી રહ્યું છે. આ પાણી ખુલ્લામાં આવતો હોવાથી ગંદકી ફેલાઈ શકે છે ત્યારે આ પાણીનું ફિલ્ટર કરીને આ પાણી વહેણની આસપાસ આવેલા બે હજારથી વધુ વૃક્ષોના જતન માટે ઉપયોગમાં લેવાશે, જેથી પાણીનો પણ ઉપયોગ થશે અને પર્યાવરણની પણ જાળવણી થઈ શકશે. આ કાર્ય હાલ પુરજાેશમાં ચાલી રહ્યું છે, જે માટે ટાંકો બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પંચાયતની ટીમ દ્વારા વૃક્ષોની જાળવણી કરશે. આજે જ્યારે પર્યાવરણનો સોથ વળી રહ્યો છે ત્યારે નવાવાસ પંચાયત દ્વારા પર્યાવરણની કરવામાં આવતી કામગીરી નોંધનીય કઈ શકાય તેમ છે.