માધાપર એમએસવી હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જિલ્લાની ર૬૦૦ સ્કૂલોમાં એક લાખ વૃક્ષોનું કરાશે વાવેતર

ભુજ : માધાપરની એમએસવી હાઈસ્કૂલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સહયોગથી જિલ્લાકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. એક મહિના અગાઉ આવેલા તાઉતે વાવાઝોડાના કારણે ઘણા બધા વૃક્ષોને નુકશાન થયું હતું. તેની ભરપાઈ કરવા શિક્ષણ વિભાગ દ્વારા ર૬૦૦ સ્કૂલમાં ૧ લાખ વૃક્ષો વાવવાની નેમ સાથે એમએસવી હાઈસ્કૂલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું.
આ તકે ઉપસ્થિત રહેલા ભુજ ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, એમએસવી હાઈસ્કૂલ ખાતે જિલ્લાકક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાન શ્રી મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે દરેક શાળામાં પ૦-પ૦ વૃક્ષો વાવવા માટે તાકીદ કરી હતી. જેથી શાળામાં આવતા બાળકોને શુદ્ધ ઓક્સિજન અને વાતાવરણ મળી રહે તે માટેનું આયોજન કરાયું હતું. અગાઉ વાવાઝોડાના કારણે કચ્છમાં ઘણા બધા વૃક્ષો ધરાશાયી થયા હતા. તેની ભરપાઈ કરવા શિક્ષણ વિભાગ દ્વારા ૧ લાખ વૃક્ષો વાવવાની નેમ વ્યક્ત કરાઈ છે. તેની શરૂઆત આ હાઈસ્કૂલ ખાતેથી વૃક્ષ વાવી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારાએ કહ્યું કે, આજ શાળામાં પાયાના સંસ્કારનું સિંચન થયું છે. આ શાળામાં બધા જ પ્રકારની સુવિધાઓ છે. જ્યારે તાલુકા પંચાયતના સદસ્ય હતા ત્યારે પણ શાળાને ગ્રાન્ટ ફાળવી છે. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખનું પદભાર સંભાળ્યું છે ત્યારે આ સ્કૂલના વિકાસ માટે ગ્રાન્ટો ફાળવી તેનું ઋણ અદા કરીશ. પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રજાપતિએ કહ્યું કે, ર૬૦૦ જેટલી શાળાઓમાં ૧ લાખ વૃક્ષો વાવવાનું કાર્યક્રમ છે જે અંતર્ગત એમએસવી ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે આરડીસી કુલદીપસિંહ ઝાલા, વનવિભાગના અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાનદાસ પ્રજાપતિ, એમએસવી હાઈસ્કૂલના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ હાજર રહી વૃક્ષોરોપણ કર્યું હતું.