માધાપરમાં સામાન્ય બાબતે યુવાનને જાતિ અપમાનિત કરી ધોકાવાયો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના માધાપર ગામે નવાવાસમાં ડોકટર અને કમ્પાઉન્ડર સહિતના છ શખ્સોએ યુવાનને જાતિ અપમાનિત કરી માર મારતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વિવેક રામાભાઈ રાઠોડે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ચાર અજાણ્યા ઈસમો તેમજ ડોકટર જગદીશ પટેલ અને તેના કમ્પાઉન્ડર રાહુલ નામના શખ્સ સામે એટ્રોસિટી સહીતની કલમો તળે ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના નવા બનતા ફલેટમાં લોખંડનો ખાટલો લેવા માટે ગયો હતો, તે દરમ્યાન ખાટલો ઢસડાતા અવાજ થવાથી આજુબાજુ રહેતા ચાર અજાણ્યા શખ્સો તેમજ ડોકટર અને કમ્પાઉન્ડર સહિતના આરોપીઓએ મોટેથી અવાજ કેમ કરે છે તેવું જણાવી ભુંડી ગાળો આપી જાતિ અપમાનિત કર્યો હતો, તેમજ ધકબુશટનો માર મારવા ઉપરાંત લાકડાના ધોકા વડે પણ માર માર્યો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેને પગલે એસસી – એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંડયાએ આગળની તપાસ હાથ ધરી છે.