માધાપરમાં વૃદ્ધા પર છરીની અણીએ દુષ્કર્મનો પ્રયાસ

Criminal with knife weapon hidden behind his back

અજાણ્યા હિન્દી ભાષી શખ્સે ધમકી આપી બનાવને આપ્યો અંજામ : મહિલાના ઘરમાં અપપ્રવેશ કરી મોબાઈલ લઈને આરોપી ફરાર થઈ જતા નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)ભુજ : તાલુકાના માધાપર નવાવાસમાં આવેલ નરનારાયણ દેવનગરમાં ૬૩ વર્ષિય વૃદ્ધા પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ થયો હતો. અજાણ્યા શખ્સે વૃધ્ધાના ઘરમાં ગેરકાયદેસર રીતે અપપ્રવેશ કરીને છરીની અણીએ ધમકી આપી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો અને વૃદ્ધાનો મોબાઈલ લઈને આરોપી નાસી ગયો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દર્જ થયો હતો.પ્રાપ્ત વિગતો મુજબ માધાપરના નરનારાયણનગરમાં રહેતી ૬૩ વર્ષિય મહિલા સાથે ગત રાત્રે ૯ થી ૧૦ વાગ્યા દરમ્યાન બનાવ બન્યો હતો. ભોગગ્રસ્ત મહિલાના પતિ નાઈટ ડયુટી પર ગયા બાદ મહિલા પોતાના ઘરમાં હતી તે દરમ્યાન અંદાજે રર થી રપ વર્ષિય અજાણ્યો ઈસમ રસોડાના દરવાજાની બહારના ભાગેથી સ્ટોપર ખોલીને અંદર ઘૂસ્યો હતો. અને મહિલાના બેડરૂમમાં પ્રવેશ કરીને તેમનું મોઢું હાથથી દબાવીને મોઢાના ભાગે કોઈ લાલ કલર જેવું પ્રવાહી લગાવ્યું હતું. આરોપીએ પોતાના પાસે રહેલી છરી કાઢી મહિલાના ગળા પર મુકીને હિન્દી ભાષામાં ‘મેં તુમે માર દુંગા’ તેવું જણાવીને મહિલા સાથે બે થી ત્રણ વખત દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. અજાણ્યા હિન્દી ભાષી શખ્સે આ રીતે મહિલા સાથે ધાકધમકી કરીને તેનો મોબાઈલ લઈને મુખ્ય દરવાજામાંથી બહાર નિકળીને નાસી ગયો હતો. બનાવને પગલે ગત રાત્રે મહિલાએ રાડા રાડ કરતા આસપાસના સ્થાનીકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરાતા રાત્રે જ પોલીસના ધાડેધાડા માધાપરમાં ઉતરી ગયા હતા. રાત્રી દરમ્યાન પોલીસે મહિલા સાથે થયેલી આપવિતી જાણીને વહેલી પરોઢે વિધિવત ગુનો દાખલ કર્યો હતો. તો આજે પણ ઉચ્ચાધિકારીઓ માધાપર ખાતે દોડી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.આ અંગે ભુજ શહેર બી ડીવીઝન પીઆઈ આર.ડી. ગોજીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાવને પગલે પોલીસ દ્વારા સર્વગ્રાહી તપાસ હાથ ધરાઈ છે. ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ગત રાત્રે જ પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. એસપીશ્રીના માર્ગદર્શનને પગલે તપાસ હાથ ધરાઈ છે.