માધાપરમાં નિયમો વિરૂદ્ધ જીમ ખુલ્લુ રાખનાર સામે પોલીસે કરી કાર્યવાહી

ભુજ : કોરોના વાયરસને કારણે જિલ્લામાં સંક્રમણ ન ફેલાય તે માટે કસરત અંગેના જીમો બંધ રાખવા સરકારની ગાઈડલાઈન અનુસાર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ અમલી બનાવાયું છે. જો કે નિયમોનું ભંગ કરી માધાપરમાં જીમ ખુલ્લુ રહેતા બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે.

બાતમીના આધારે બી ડિવિઝન પીઆઈ આર.ડી ગોજીયાની સુચના અનુસાર માધાપર ચોકી ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ મેઘરાજભાઈ ગઢવી પોલીસ ટીમ સાથે માધાપર ગામે આવેલ લેમન નામની કસરત કરવાની જીમમાં તપાસ કરવા ગયા હતા. જ્યાં 5 વ્યક્તિઓ માસ્ક પહેર્યા વગર કસરત કરતા જણાઈ આવતા માસ્ક અંગેનો દંડ અપાયો હતો. તેમજ જીમના સંચાલક રાજેશ શ્રીચંદ મોહનાની (સિંધી)એ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી જીમ ચાલુ રાખ્યું હોવાથી તેની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટ તળે ગુનો દાખલ કરાયો છે.