માતાનામઢ પાસે શિકાર કરતા બે શખ્સોને સ્થાનિકોએ ઝડપ્યા

મધ રાતે સસલા અને મોરનો કરતા હતા શિકાર : સ્થાનિક યુવકોએ શિકારીઓને ઝડપી દયાપર પોલીસને સોંપ્યા : દયાપર પોલીસે શિકારીઓને માતાનામઢ ફોરેસ્ટ વિભાગને હવાલે કર્યા

(બ્યુરો દ્વારા) ભુજ : કચ્છમાં અવાર નવાર પશુ- પક્ષીઓના શિકારની ઘટના સામે આવી રહી છે. તાજેતરમાં લાકડિયા પોલીસે શિકારીઓને ઝડપ્યા હતા. જે બનાવ તાજો છે, તેવામાં સરહદી લખપત તાલુકાના માતાનામઢ ખાતે શિકારીઓ શિકારની મિજબાની માણતા હતા, ત્યારે સ્થાનિક યુવાનોએ રંંગે હાથ ઝડપી લીધા હતા. માતાનામઢ ગામે વાડી વિસ્તારમાં ગત રાત્રીના સમયે આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ગામમાં તળાવ પાસે લોકો ચણ નાખતા હોય છે. જેથી આ વિસ્તારમાં મોર, ઢેલ સહિતના પક્ષીઓની સંખ્યા સવિશેષ છે. તેમજ સમગ્ર વિસ્તાર ડુંગરો અને હરિયાળો હોવાથી વન્ય પ્રાણીઓ પણ આ વિસ્તારમાં વસવાટ કરતા હોય છે. જો કે થોડા સમયથી માઠી બેઠી હોય તેમ આ વિસ્તારમાં શિકારની પ્રવૃત્તિ વધવા લાગી છે. માલધારીઓ જયારે વગડામાં પશુઓને ચરાવવા લઈ જાય ત્યારે પક્ષીઓના પીછા અને માસના અવસેષો જોવા મળે છે તેવું લોકોએ કહ્યું હતું. દરમિયાન ગઈકાલે રાત્રે વનખાતાની રખાલ વિસ્તારમાંથી શિકારીઓને ઝડપી લેવાયા હતા. હાલમાં જયારે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે, ત્યારે આ ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં પણ અરેરાટી છવાઈ જવા પામી છે. હિન્દુ યુવા સંગઠનના ઉપાધ્યક્ષ અને ગામના રહેવાસી ઘનશ્યામસિંહ સોઢાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે ગામમાં વાડી વિસ્તારમાં આ બે શખ્સોને રંગે હાથ શિકાર કરાયેલ પક્ષી અને પશુના માસ સાથે ઝડપી લીધા હતા. જેમાં એક સસલાનો મૃતદેહ અને એક ઢેલ અથવા મોરનો મૃતદેહ હતો. પ્રથમવાર તો અમને જોઈ શિકારીઓ ભાગી ગયા હતા, જેથી ગામના યુવાનો તખતસિંહ ભાટી, નરેન્દ્રસિંહ સોઢા, પ્રધ્યુમનસિંહ સોઢા, મહિપતસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, અજીતસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ સોઢા સહિતના જાગૃત યુવાનોએ પીછો કરી બંનેને ઝડપી લીધા હતા. તેમની પાસેથી બાઈક પણ મળી આવી છે. શિકાર માટેની છરી તેઓએ કયાંક ફેંકી દીધી હતી. રાત્રે ૩ વાગ્યે અમે આ બંને શખ્સોને દયાપર પોલીસને સોંપ્યા હતા. વિસ્તારમાં અવાર નવાર આવી ઘટનાઓ બને છે તેવું જણાવ્યું હતું. દયાપર પીએસઆઈ અંકુશ ગેહલોતે જણાવ્યું કે, રાત્રે સ્થાનિકોએ બે શિકારોઓનો કબ્જો આપ્યો હતો. આજે સવારે બંને શખ્સો તેમજ માસના અવષેશો સહિતનો મુદ્દામાલ માતાનામઢ ફોરેસ્ટ વિભાગને કબ્જો સોંપ્યો છે. માતાનામઢના આરએફઓ શ્રી ચૌધરી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, આજે સવારે દયાપર પોલીસ પાસેથી બંને શખ્સોનો કબ્જો લીધો છે. મૃતદેહ પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.