માંડવીના કોડાયમાં જમીન પચાવી પાડવા સબબ લેન્ડ ગ્રેબિંગ તળે બે ફરિયાદ

માંડવી : તાલુકાના કોડાયમાં જમીન પચાવી પાડવાના કારસા સબબ ગામના એક શખ્સ વિરૂદ્ધ બે ફોજદારી નોંધાઈ છે. સરકાર દ્વારા ઘડાયેલા નવા લેન્ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ કોડાયમાં રહેતા ફરિયાદી ભીમશી રાણશી ચારણે પોતાની બે અલગ અલગ સર્વે નંબર વાળી જમીનો હડપ કરવા શબબ ગામના જ હરિ ખેરાજ બારોટ (ગઢવી) વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ અંગેની વિગતો મુજબ કોડાય ગામે આવેલ સર્વે નંબર ૬૮૦/ રર૦ વાળી સરકારી જમીન બાબાવાડીમાં રહેતી માલતી સુરેશ લાલન નામની મહિલાના નામે ખોટી નોધ પડી હતી. ત્યારબાદ આ જમીનમાં બીજા નામો દાખલ કરાયા હતા. અને કોડાયના પ્રેમજી જાદવા તેમજ વિશ્રામ હિરાણીએ અંદરો અંદર વેચસાટ કરીને દસ્તાવેજ બનાવી ગુનો આચાર્યો હતો. આ જમીનના ઓઠા હેઠળ હરિ ગઢવીએ પોતાની ૬૮૦/ર૬૩ વાળી જમીન પર કબ્જો જમાવી લીધો હોવાનું ફરિયાદી ભીમશી ગઢવીએ જણાવ્યું હતું. આરોપીએ ૬૮૦ પૈકીની સરકારી જમીન પચાવી પાડી પોતાની માલિકીનું બોર્ડ મારી દીધું હતું. આ અંગે કલેકટરને કરાયેલી અરજી બાદ કલેકટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આધાર પુુરાવાઓ ચકાસ્યા બાદ આરોપી હરિ ગઢવી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ગુનો નોંધવા હુકમ કરતા માંડવી પોલીસ મથકે બે જુદા જુદા ગુના નોંધાયા હતા. જેને પગલે ડીવાયએસપી જે.એન. પંચાલે આગળની તપાસ હાથ ધરી છે.