મહેસાણામાં છોકરી ભગાડી જવા બાબતે થયેલી મારામારીમાં ૨૦ આરોપીને ૧૦ વર્ષની સજા

સજા પામનારા તમામ ગુનેગારો એક જ પરિવારના છે

(જી.એન.એસ.)મહેસાણા,છોકરી ભગાડી જવાના મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે થયેલી જોરદાર મારામારીના ૨૦૧૧ના કેસમાં કોર્ટે ૨૦ આરોપીઓને ૧૦ વર્ષની જેલની સજા કરી છે. આ ઘટનામાં આરોપીઓએ ધારિયા, તલવાર, પાઈપ તેમજ ધોકા વડે છ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરી તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં મહેસાણાના એડિશનલ સેશન્સ જજ દ્વારા ૨૦ આરોપીઓને ૧૦ વર્ષની જેલ સાથે ૫ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, મહેસાણાને અડીને આવેલા પાંચોટ ગામના રબારીવાસમાં રહેતી એક યુવતીને તેની જ જ્ઞાતિનો એક યુવક ભગાડી ગયો હતો. જેની જાણ થતાં ૧૦ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ આરોપીઓ દ્વારા ભરતભાઈ રબારી સહિત છ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.૨૦ જેટલા લોકો ધારિયા, તલવાર અને ધોકા લઈને તૂટી પડતાં છમાંથી પાંચ ઈજાગ્રસ્તોની હાલત એટલી બધી ગંભીર બની ગઈ હતી કે તેમનું મરણોન્મુખ નિવેદન લેવામાં આવ્યું હતું. જોકે, સઘન સારવાર બાદ તમામ ઈજાગ્રસ્તોના જીવ બચી ગયા હતા. ઘાયલોને સારવાર માટે મહેસાણાથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા.આ મામલે ભરતભાઈ રબારીએ બળદેવભાઈ રબારી વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી હત્યા કરવાના ઈરાદે ઘાતક હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાવી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ તરફથી મહેસાણા જિલ્લાના મદદનીશ સરકારી વકીલ હસુમતીબેન મોદીએ કોર્ટમાં ૩૦ જેટલા પુરાવાઓ રજૂ કર્યા હતા, અને આ ઉપરાંત ૨૫ સાક્ષીઓએ પણ કોર્ટમાં જૂબાની આપી હતી.બંને પક્ષોની દલીલ સાંભળીને મહેસાણાના એડિશનલ સેશન્સ જજ એ.એલ. વ્યાસે ૨૦ આરોપીઓને ૧૦ વર્ષની સજા ઉપરાંત પાંચ હજાર રુપિયાનો દંડ કર્યો હતો. આ કેસમાં એક જ પરિવારના ૨૦ સભ્યોને કોર્ટ દ્વારા અલગ-અલગ કલમો હેઠળ ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી છે, જે આરોપીઓએ એકસાથે કાપવાની રહેશે.સજા પામેલા આરોપીઓ૧. બળદેવભાઈ રબારી ૨. વિહાભાઈ રબારી ૩. કનુભાઈ રબારી ૪. વિષ્ણુભાઈ રબારી ૫. મગનભાઈ રબારી ૬. ફુલાભાઈ રબારી ૭. વિષ્ણુભાઈ મગનભાઈ રબારી ૮. વિરમભાઈ રબારી ૯. નારણભાઈ રબારી ૧૦. જયેશભાઈ રબારી ૧૧. ખોડભાઈ રબારી ૧૨. કનુભાઈ રબારી ૧૩. દશરથભાઈ રબારી ૧૪. દેવાભાઈ રબારી ૧૫. બાબુભાઈ રબારી ૧૬. ભરતભાઈ રબારી ૧૭. લક્ષ્મણ રબારી ૧૮. લાલભાઈ રબારી ૧૯. ફુલાભાઈ રબારી ૨૦. હીરાભાઈ રબારી.