મહારાષ્ટ્રના એન્ટાલીયા કેસ બાદ હવે ગુજરાતના હનીટ્રેપ કાંડના ખુલાસાથી ખાખીની આબરૂ તાર.તાર..!

એન્ટાલીયા કેસમાં પીઆઈશ્રી સુનીલ માને, સચીન વાઝે, અને ડીજીપીશ્રી પરમબીરસિંંગ સહિતના ખુલેલા કારનામાથી પોલીસની પ્રતિષ્ઠાને પહોંચેલા ધક્કાઓની ઘટના હજુ માંડ સમી ત્યાં તો ગુજરાતના અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ ગીતા પઠાણે હનીટ્રેપ જેવા કાંડમાં ચકચારી બનીને પોત પ્રકાશી દીધુ : પૈસાની લ્હાયમાં પોલીસવાળાઓ જ આવુ કરતા થશે તો આમપ્રજાજનો ફરિયાદ કરવા કયા જશે? કોને કરશે ફરીયાદ?

ગુન્હેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા પાંચ પીઆઈ – એક પીએસઆઈ થયા સસ્પેન્ડ
(૧) પીઆઈ ગીતા પઠાણ : હનીટ્રેપકાંડ (૨) પીએસઆઈ કિશનસિંહ રાઓલ : ક્રીકેટ સટ્ટોડીયાઓને છાવર્યા (૩)પીઆઈ વાય બી જાડેજા : કારમાં ક્રીકેટ સટ્ટોડીયાઓથી લાખોની તોડ (૪) પીઆઈ એન.બી. બારડ : જુગારધામમાં સાંઠગાંઠ ખૂલી (૫) પીઆઈ પી.ડી.દરજી : ગાડી વેંચવાના મોટા કૌભાંડમાં સંડોવણી (૬) પીઆઈ ચૌધરી : શ્રમિક પર અત્યારચાર

પીઆઈ એટલે ગેઝેટેડ ઓફિસર કહેવાય..પૈસા માટેની લાવ..લાવ.માં કેટલી હદે પોલીસ અધિકારીઓ થઈ રહ્યા છે સસ્તા..! આવા અધિકારીઓને સસ્પેન્ડ નહીં ડીસમીશ જ કરવા જોઈએ : જાણકારોની ટકોર

ગાંધીધામ : કાયદો અને વ્યવસ્થા જાળવવાની મહત્વપૂર્ણ જવાબદારી જેઓના શીરે છે તે પોલીસતંત્ર અને તેના કેટલાક અધિકારીઓ હાલના સમયે પૈસાની મોહીનીના ત્રાજવે તોળાતા તોળાતા કેટલી હદે સસ્તા અને નીચ કૃત્યો આચરી રહ્યા છે અને તેનાથી પોલીસતંત્રની પ્રતિષ્ઠા-આબરૂ તાર તાર થવા પામી રહી હોવાના એક પછી એક ઘટનાક્રમો સામે આવવા પામી રહ્યા છે.હજુ તો મહારાષ્ટ્રના એન્ટાલીયા કેસમાં સુનીલ માને, સચીન વાજે અને પરમબીર સિંગ જેવા પીઆઈથી લઈ અને ડીજીપી સુધીના અધિકારીઓ પર ઉડેલા ગંભીર પ્રકારના છાંટાઓની ઘટના સમી નથી કે, ફરીથી ગુજરાતના અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચના એક મહીલા પીઆઈ ગીતા પઠાણે પોત પ્રકાશી દીધુ હોવાનુ પરાક્રમ આચર્યુ છે. આ બન્ને ઘટનાઓ પોલીસની પ્રતિષ્ઠાને જાંખપ લગાનારી તો છે જ પરંતુ સાથોસાથ જ પોલીસતંત્રના મનોબળને માંગનારી અને તળીયે લાવનારી પણ બની જ રહી છે તેમ કહેવુ અસ્થાને નહી ગણાય.મુંબઈના એન્ટાલીયા કાંડના હાઈ સિકયુરીટી થ્રેટ પ્રકરણમાં પીઆઈ સુનીલ માને, સચીન વાજે અને ડીજીપી પરમબીર સિંગ ખુબ જ મોટી મોટી શંકાના દાયરામાં આવી જવા પામી ગયા હતા તો વળી બચાવમાં તેઓએ કરેલા ખુલાસાઓ તેનાથી પણ વધારે ચિંતાજનક ખુલાસા કરનારા બની રહ્યા છે. સચીન વાજે હોય કે સુનીલ માને કે પછી પરમબીર સીગ પૈસાને માટે જ પોલીસની આબરૂ તદન તળીયે મુકી દીધી હતી. વિચાર તો કરો કે ગુજરાતના અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મહીલા પીઆઈ ગીતા પઠાણ પણ કેવા પ્રકરાના કાંડમાં ચકચારી બની છે?હનીટ્રેપ..? હનીટ્રેપ એટલે મહીલાઓ મારફતે વેપારીઓને ફસાવી તેઓ પાસેથી રકમો ખંખેરી લેવાની ગેંગ. આ ગેંગની મહીલા પીઆઈ ગીતા પઠાણ ખુદ સરગના એટલે કે મુખ્ય સુત્રધાર હતી. અત્યાર સુધીમાં તેઓએ વેપારીઓ પાસેથી લાખો રૂપીયા ઉઘરાવી-પડાવી પણ લીધા હોવાનુ ખુલવા પામી ચુકયુ છે. જો પોલીસ વાળા પૈસાના જોરે કાયદાને સરેઆમ લીલામ કરતા ફરશે તો પછી આમપ્રજા કયાં જશે? કોની ફરીયાદ કરશે? પીઆઈ એટલે કોઈ નાનુ સુનુ પદ નથી, ગેઝેટેડ ઓફીસર હોય છે આ પીઆઈ. અને કૃત્ય આવા નિમ્ન કરે ત્યારે આવા અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરવાના બદલે ડીસમીશ કરીને ધાક બેસાડતી લાલઆંખ જ કરી દેખાડવી જોઈએ. ટુંકાગાળામાં મહારાષ્ટ્રથી ગુજરાત સુધીમાં પોલીસની આબરૂને તાર તાર કરતી બનેલી આ ઘટના હિમંતવાન-તટસ્થ-કડક અને પ્રમાણિક પોલીસ બેડાના નૈતિક બળને ધક્કો આપનારા જ કહી શકાય તેમ છે.