મહાનગરોની જેમ કચ્છમાં પણ કોરોના ટેસ્ટીંગ માટે ડોમ ઉભા કરો

રસીકરણ માટે ગામે ગામ સેશન યોજતું તંત્ર આ દિશામાં પણ ભરે પગલાં : પ્રાયોગીક ધોરણે સૌથી વધુ કેસ નોંધાય છે તેવા ભુજ અને ગાંધીધામ શહેરમાં આ પ્રથા શરૂ કરવી જરૂરી

ભુજ : રાજ્યમાં ફરી કોરોનાની બીજી લહેર શરૂ થતાં રૂપાણી સરકારે અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ રાજ્યમાં રસીકરણ અભિયાનને વધુ વેગવાન બનાવવા અને ટેસ્ટીંગ પર ભાર મુકવા જિલ્લાઓને સૂચના આપી છે. આમ તો શરૂઆતથી કચ્છમાં કોરોનાના કેસોનો ગ્રામ ૧૦થી ર૦ જેટલો રહ્યો છે હાલમાં પણ દરરોજ ૧૦થી ૧પ કેસો સામે આવે છે, જે મુખ્યત્વે ભુજ અને ગાંધીધામ શહેરના હોય છે. મહાનગરોમાં કોરોના અટકાવવા માટે ટેસ્ટીંગ પર ભાર મુકાયો હતો, જેમાં જાહેર સ્થળોએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડોમ ઉભા કરી લોકોના નિઃશુલ્ક અને સ્થળ પર ત્વરીત કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જિલ્લામાં ભુજ અને ગાંધીધામમાં દરરોજ ૮થી ૧૦ કેસો નોંધાય છે, જો કે સરકારી ચોપડે અડધા કેસ બતાવાય છે, આવા સંજોગોમાં રસીકરણ અભિયાનને વેગ આપવા સાથે ભુજ – ગાંધીધામના જાહેર સ્થળોએ કોરોના ટેસ્ટીંગ માટે ડોમ ઉભા કરવામાં આવે તો સંક્રમણને અટકાવવામાં મદદ મળી રહેશે. ભુજમાં જ્યુબેલી, હમીરસર સહિતના સ્થળો તો ગાંધીધામમાં ઓસ્લો સર્કલ, ઝંડાચોક, આદિપુર, અંજાર બગીચો સહિતના મુખ્ય સ્થળોએ ડોમ ઉભા કરવામાં આવે તો સંક્રમણને અટકાવવામાં સફળતા મળશે. સાથો સાથ આ ડોમ વડે રસીકરણ અભિયાનને પણ વેગ આપી શકાય છે. નગરપાલિકાના ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ આ મામલે અંગત રસ દાખવે તે જરૂરી છે.