મસ્કામાં કરોડોનું જમીન કૌભાંડ : ફોજદારી દાખલ કરવાની તજવીજ

સાંથણીની શ્રી સરકાર દાખલ થયેલી ૪૬ વર્ષ બાદ રાતોરાત માલિકના નામે તબદીલ થયા બાદ વેચાઈ ગયાનો થયો હતો ઘટસ્ફોટ : જિલ્લા કલેકટરમાં રજૂઆતો બાદ સીટને તપાસ સોપાઈ : જમીન કૌભાંડમાં આરોપીઓ ફરિયાદ દાખલ કરવા પ્રાંત પાસે મંગાયો અભિપ્રાય

ભુજ : માંડવી તાલુકાના મસ્કા ગામે કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે કેસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવાની તજવીજ આરંભાઈ છે. જેથી આગામી દિવસોમાં નવા ખુલાસાઓ થવાની વકી સેવાઈ છે. આ જમીન કૌભાંડની વિગતો કચ્છ ઉદયમાં પ્રકાશિત થયા બાદ આ બાબતની ફરિયાદો તંત્ર પાસે આવી હતી. આ જમીન પ્રકરણની વિગતો મુજબ માંડવી તાલુકાના મસ્કા ગામે રેવન્યુ સ.નં. ર૭૯ હેકટર ૦-પ૦-પ૯ વાળી જમીનમાં આ કૌભાંડ આચરાયું હતું. ૧૯૬૪ માં સરકારે ખાતેદારને જમીન ફાળવી હતી. ૧૯૭૪ માં ખાતેદારે જમીન પરથી રાજીનામુ આપી સરકારને એ જમીન પરત આપી દેતા વાદ વાળી જમીન ફરીથી શ્રી સરકાર દાખલ થઈ હતી. જો કે એકાએક ૪૬ વર્ષ બાદ ખાતેદારને ભુલનું બ્રહ્મજ્ઞાન થતા ર૦૧૯માં જમીન પરત મેળવવા અરજી કરાઈ હતી. જો કે, સામાન્ય અરજીમાં વિલંબ કરતું તંત્ર આ અરજીને ૧૦૮ની સ્પીડમાં નિકાલ લાવી દીધો હતો. એક વર્ષના ટુંકાગાળામાં વાદ વાળી જમીન ૪૬ વર્ષ બાદ મુળ ખાતેદારને પરત આપવા સાથે અન્ય વ્યક્તિને જમીન વેચી પણ દેવાઈ અને વેચાણ બાદ અન્ય માલિકોના નામે આ જમીન સરકારી ચોપડે ચડાવી પણ દેવાઈ હતી.નવી શરતની જમીન જુની શરતમાં ટુંકાગાળામાં ફેરવાઈ જતા મહેસુલી અધિકારી – કર્મચારીઓની મીલીભગત હોવાના અણસાર શરૂઆતથી જ સામે આવ્યા હતા. જેથી આ કાર્યવાહી સામે કલેકટર અને મહેસુલ સચિવની કચેરીમાં ધા નખાઈ હતી. જમીન પચાવી પાડવા માટે જે કારસો ઘડાયો તે સંદર્ભે તપાસનો ધમધમાટ પણ શરૂ થયો હતો. જિલ્લા કલેકટર કચેરી દ્વારા આ કેસને સીટને આપવામાં આવ્યો છે. આ અનુસંધાને મુંદરા પ્રાંત અધિકારીને જરૂરી વિગતોની પુર્તતા કરવા આદેશ અપાયો હતો. જેમાં વાદ વાળી જમીન કેસમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવા પાત્ર છે કે કેમ? જમીનની નોંધો રીવીઝનમાં લેવાપાત્ર થાય છે કે કેમ? તે સહિતની વિગતો જમીનના મહેસુલી રેકર્ડની ખરાઈ કરી પુર્તતા કરવા જણાવાયું હતું. સીટની બેઠકમાં આ મુદ્દાઓ અંગે ચર્ચાઓ પણ થઈ હતી. જેથી અહેવાલના આધારે આ કેસમાં ફોજદારી ફરિયાદ થાય તેવા ભણકારા વાગી રહ્યા છે.