મસ્કાની એ વિવાદીત જમીનની વેચાણ નોંધ રદ્દ કરાઈ

સાંથણીમાં શ્રીસરકાર દાખલ થયેલી જમીન ૪૬ વર્ષ બાદ માલિકના નામે તબદીલ થઈ અને વેચાણ પણ થયું હતું : આધાર પુરાવા સાથે રજૂઆતો થયા બાદ અંતે મુંદરા પ્રાંત અધિકારીએ જમીનની વેચાણ નોંધ રદ્દ કરતો
હુકમ કર્યો : જમીનની મિલિભગત આચરનારા અધિકારીઓ અને જવાબદારો વિરૂદ્ધ તપાસ કયારે થશે ? : વેચાણ નોંધ રદ્દ કરી કૌભાંડને શાંત પાડવાના બદલે જવાબદારો સામે તપાસ કરી લેવા જોઈએ કડક પગલાં

(બ્યુરો દ્વારા)ભુજ : માંડવી તાલુકાના મસ્કા ગામે સાંથણીની શ્રી સરકાર દાખલ થયેલી જમીન ૪૬ વર્ષ બાદ રાતોરાત માલિકના નામે ફરી તબદીલ થઈ હતી અને તેનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું. નવી શરતની જમીન એક વર્ષના ગાળામાં જુની શરતમાં ફેરવી વેચી પણ દેવાઈ હતી. જે જમીન કૌભાંડનો અહેવાલ ઉજાગર થયા બાદ સબંધીત તંત્રો દોડતા થયા હતા. જેમાં અંતે મુંદરા પ્રાંત અધિકારીએ આ વિવાદસ્પદ જમીનની વેચાણ નોંધ રદ કરવાનો હુકમ કર્યો છે. આ વેચાણ રદ કરવાથી આ કૌભાંડ કંઈ રીતે થયું છે તેની તપાસ થવી જોઈએ તે પણ જરૂરી છે.મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના મસ્કા ગામે રેવેન્યુ સર્વે નંબર ર૭૯માં આ કૌભાંડ આચરાયું હતું. વર્ષ ૧૯૬૪માં હુકમ નંબર ર૦૭૪/૬પના હુકમથી રાજગોર હરીશંકર જીવરામને ખેડાણ પેટે જમીન અપાઈ હતી. સરકારી જમીન ફળફુલ ઝાડના વાવણીના હેતુથી અપાઈ હતી. જો કે દસ વર્ષ બાદ રર-પ-૧૯૭૪ના તેઓએ રાજીનામુ આપી જમીન સરકારને પાછી આપી હતી. જો કે ૪૬ વર્ષ બાદ અરજદારે ગત તા. ૬-૧૧-ર૦૧૯ના સરકારમાં ફરી અરજી કરી જમીન શરત ચૂકથી આપી હોવાનું જણાવી શ્રી સરકાર જમીનની પરત માંગણી કરી હતી. બાદમાં તંત્રએ મૂળ ખાતેદારને પરત જમીન આપી હતી. જો કે બાદ જમીનનું વેચાણ થયું હતું અને જે વેચાણ નોંધ રદ્દ કરવા અરજીઓ કરાઈ હતી. વાદગ્રસ્ત જમીનમાં સરકાર તરફે સ્ટેમ્પ ડ્યુટી અને પ્રિમીયમની રકમની ખોટ જાય તે રીતે નવી શરતની જમીનને જુની શરતમાં ફેરવી દઈ ગેરકાયદે રીતે દસ્તાવેજ બનાવાયો હતો. મામલતદારના હુકમને પણ ભૂલ ભરેલો ગણાવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરાઈ હતી. ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીન પચાવી પાડવાનો આ કારસો હોવાથી સરકારના નવા લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી. આ જમીન ૮-૧ર-ર૦ર૦ના હરજી ગાંગજી વેકરિયા અને ગોસ્વામી ધારા પ્રતીકે વેચાણ લેતા નોંધ નંબર ૩૧૯૮ દાખલ થઈ હતી, જે સામે અરવિંદસિંહ આર. જાડેજા તે સોની હિતેષ ભગવાનજીના એડવોકેટે રાજગોર હરિશંકર જીવરામ અને હરજી ગાંગજી વેકરિયા તેમજ ગોસ્વામી ધારા પ્રતીક વિરૂદ્ધ મુંદરા પ્રાંતની કોર્ટમાં વાંધા અરજી રજુ કરી હતી. જેની સુનાવણી દરમિયાન પક્ષકારોના લેખિત મૌખિક રજૂઆતો અને રેકર્ડને ધ્યાને લઈ મુંદરા પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ મસ્કામાં સર્વે નંબર ર૭૯ની વેચાણ નોંધ નંબર ૩૧૯૮ના મંજૂર કરતો હુકમ કર્યો છે. વેચાણ નોંધની વિગતો ચકાસતા આ જમીન નવી શરતમાંથી જુની શરત એટલે કે, બિનખેતી પ્રિમિયમને ૫ાત્રમાં ફેરવી હોય તેવો કોઈ હુકમ રજુ થયો ન હતો. જે પરત્વે શરતભંગની કાર્યવાહી ગણી હુકમ કરાયો હતો. જો કે ચર્ચાતી વાતો મુજબ કૌભાંડને ઠંડું પાડી દેવા વેચાણ નોંધ રદ્દ કરવાનું ગતકડું કરવામાં આવ્યું છે. ખરેખર તો વેચાણ નોંધ રદ્દ કરવા ઉપરાંત શરૂઆતથી આ કૌભાંડમાં જેઓની સંડોવણી છે, તેવા સરકારી અધિકારી કર્મચારીઓ તેમજ જવાબદારો સામે પગલાં લેવા જોઈએ. નવા લેન્ડ ગેબ્રિંગ એકટ તળે પણ કાર્યવાહી થાય તો નવાઈ નહીં કહેવાય. જિલ્લા કલેકટરે આ કેસમાં અંગત રસ દાખવી તપાસ કરાવવી જોઈએ. એક તરફ જિલ્લામાં જમીનોના ભાવ ઉચકાઈ રહ્યા છે. બીજીતરફ સરકારી જમીનો મિલિભગત થકી બારોબાર વેચસાટ થઈ રહી છે, જેનાથી સરકારને તો ફટકો પડે છે, પરંતુ જિલ્લાની જમીન સંપદા પણ ભૂમાફિયાઓના હાથમાં આવી રહી હોઈ તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે. રાજ્યના રેવેન્યુ વિભાગના સચિવ દ્વારા આ કેસમાં જિલ્લાના રેવેન્યુ અધિકારીઓને તેડું અપાય તો જ તટસ્થ તપાસની ગતિવિધિ તેજ બનાવાશે તેવું પણ સામે આવી રહ્યું છે.