મેવાસા પાટીયા પાસે દાબેલીની છાપરાવાળી જગ્યા બાબતે આધેડને છરી ઝીંકાઈ

મેવાસા પાટીયા પાસે દાબેલીની છાપરાવાળી જગ્યા બાબતે આધેડને છરી ઝીંકાઈ

બાઈક અને રીક્ષા ઊભી રાખવા જેવી સામાન્ય બાબત ઉગ્ર બનતા લાકડી વડે માર મરાયો

રાપર : વાગડમાં દિનપ્રતિદિન મારામારીના બનાવોમાં ઉછાળો આવી રહ્યો છે ત્યારે વધુ એક બનાવ મેવાસા પાટીયા પાસે બન્યો છે. જુના ઝઘડાની સામાન્ય અદાવતે આધેડને છરી મારી લાકડી વડે મુંઢમાર મરાયો હોવાની ફરિયાદ આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાપર તાલુકામાં નેશનલ હાઈવે રોડ પર મેવાસા પાટીયા બસ સ્ટેશન પાસે બનેલી ઘટના અંગે નરશીભાઈ વીભાભાઈ કોલીએ આરોપી વાલજીભાઈ મોતીભાઈ કોલી અને દિનેશ મોતી કોલી સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આ કામના આરોપીઓ અને ફરિયાદી વચ્ચે મેવાસા પાટીયા દાબેલીની છાપરાવાળી જગ્યા બાબતે ઝઘડો ચાલી રહ્યો છે. જેની અદાવતે ફરિયાદીની બાઈક જીજે૧ર-એન-૯૧૩૮ ઊભી રાખવા આરોપી વાલજીભાઈએ પેસેન્જર રીક્ષા જીજે૧ર-બીવી-૪૮૯૬ની અવરોધ ઊભો કર્યો હતો. જેથી બાઈક રીક્ષા સાથે ભટકાતા નરશીભાઈ નીચે પડી ગયા હતા. જ્યાં આરોપી વાલજીભાઈએ ફરિયાદીને ડાબા પગે છરીવડે ઈજા પહોંચાડી આરોપી દિનેશે ફરિયાદીને લાકડીથી માર મારી ફેકચર સહિતની ઈજાઓ પહોંચાડતા આડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.