મમુઆરામાં જમીન પચાવી પડાતા પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ

ભુજ : તાલુકાના મમુઆરા ગામે જમીન પચાવી પાડવાના કિસ્સામાં મમુઆરાના પિતા-પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે પધ્ધર પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના માધાપરમાં રહેતા ગોવિંદ વીરજી હિરાણીએ આરોપી ગોપાલ રૂડા જાટીયા તેમના પુત્રો મનસુખ અને અશ્વિન વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીની મમુઆરા ગામની સીમમાં આવેલ સર્વે નં.૧૧૩ અને સર્વે નં. ૧૧૩/૧ વાળી ખેતીની જમીન આરોપીઓએ ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી અને આરોપીઓ તેના પર ખેતી કરતા હતા. ફરિયાદીના ખેતરને અડીને જ આરોપીઓનું ખેતર આવેલું છે. ૮ વર્ષ અગાઉ આરોપીઓએ ખેતરનો શેઢો ખેડીને ફરિયાદીના ખેતરને પોતાના ખેતરમાં ભેળવી દીધું હતું. બનાવને પગલે પધ્ધર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગની કલમો તળે ફરિયાદ નોંધાતા ડીવાયએસપી જે.એમ.પંચાલ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.