મમુઆરાની મિનરલ્સ કંપનીમાં માટી ધસતા બે ટ્રક ચાલકોનું દટાઈ જતા મોત

બે ટ્રકો અથડાયા બાદ ભેખડ ધસી હોવાનું પોલીસ ચોપડે નોંધાવાયું : મિનરલ્સ કંપનીની બેદરકારી અંગે તટસ્થ તપાસ કરાય તેવી ઉઠી માંગ

ભુજ : વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ એવા કચ્છ જિલ્લામાં મોટાપાયે ખનિજ ચોરી થઈ રહી છે. તો અનેક કંપનીઓ દ્વારા લીજ પર જમીન મેળવીને તેમાંથી ખોદકામ કરાતું હોય છે. પરંતુ ખાણ ઉત્ખનનની કામગીરીમાં અવાર નવાર બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેવામાં ભુજ તાલુકાના મમુઆરા ગામે કૈલાશ મિનરલ્સ કંપનીમાં માટી ધસી પડતા બે ટ્રક ચાલકો દટાઈ જવાથી મોતને ભેટ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ મમુઆરા ગામે આવેલી કૈલાશ મિનરલ્સ કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ભચાઉ તાલુકાના ખારોઈ ગામના 30 વર્ષિય પ્રકાશ ખીમજીભાઈ લુહાર અને ભુજ તાલુકાના કોટાયમાં રહેતા 45 વર્ષિય દામજી રાણા ડાંગરનું આ ઘટનામાં કરૂણ મોત નિપજ્યું હતું. મિનરલ્સ કંપનીના માલિક અશોક કરમણભાઈ જાટીયાએ બનાવ અંગે જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીએ કરાવેલી નોંધ મુજબ બન્ને હતભાગીઓ તેમની કંપનીમાં પ્રાઈવેટ નોકરી કરતા હતા. દરમિયાન ખાણ નજીક બે ટ્રક અથડાતા ઉપરથી માટી પડતા બન્ને હતભાગી દટાઈ ગયા હતા. માટીની ખાણમાં સર્પાકાર માર્ગો પર બે ટ્રકો ભટકાઈ હતી. દરમિયાન માટીની મોટી ભેખડ ધસતા બન્ને ટ્રકો ચાલકો સમેત દટાઈ ગઈ હતી. બનાવ બાદ તાત્કાલિક કંપનીના જ બે જેસીબી દ્વારા ટ્રકો ઉપર ધસી પડેલી માટી દૂર ખસેડાઈ હતી. પરંતુ વિપુલ માત્રામાં જથ્થો હોવાથી કામગીરી પુરી થાય ત્યાં સુધી બન્ને ચાલકો માટીની અંદર દટાઈ જવાથી ગુંગળાઈને મોતને ભેટ્યા હતા. તેમ છતા બન્નેને બહાર કાઢી સારવાર માટે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાને પગલે પધ્ધર પોલીસ મથકમાં અકસ્માત મોતનો ગુનો દાખલ થતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, ખાણ કંપનીઓમાં આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બનતી હોય છે. કંપનીઓની બેદરકારીને કારણે નિર્દોષ કામદારો મોતને ભેટતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરાય તો ખાણ ખનિજ તંત્ર દ્વારા પણ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવાય તે જરૂરી છે.