માધાપર-માંડવી-કપુરાશી તથા મથલ પાસે માર્ગ અકસ્માત

માધાપર-માંડવી-કપુરાશી તથા મથલ પાસે માર્ગ અકસ્માત

ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયા

ભુજ : ભુજ તાલુકાના માધાપર ગામે હાઈવે રોડ પર, માંડવી ગઢરાગ વળાક પાસે, લખપત તાલુકાના કપુરાશી તથા સોતાવાંઢમાં માર્ગ અકસ્માતના બનાવો બન્યા હતા. જેમાં ઈજા પામનાર તમામને વધુ સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ભુજ તાલુકાના માધાપર ગામે માહી ડેરી સામે મોટર સાયકલ રજી. નંબર જીજે. ૧ર. ૧૯ર૬ પર સવાર કિરણગીરી સુંદરગીરી ગોસ્વામીને (ઉ.વ.૪૮) (રહે. જયોતિપાર્ક ગડા પાટીયા) માર્ગમાં બળદ આડા આવતા તેઓ મોટર સાયકલ પરથી પડી ગયા હતા. બીજી બાજુ માંડવીમાં નવા બનતા પુલીયા પાસે આવેલ ગઢરાગ વળાંક પાસે રોડ પર વિવેક મોહનભાઈ ગઢવી (ઉ.વ.૩ર) (રહે. આઈટીઆઈ કોટર્સ, મુંદરા રોડ ભુજ)ની ફોર વ્હીલર ગાડી રજી. નંબર. જીજે. ૧ર. ઈઈ. ર૪૬૯ને આરોપી ટેમ્પો ચાલક રજી. નંબર જીજે. ૧૮. એએક્સ. ૧૪૪૩એ બેદરકારી પૂર્વક ચલાવીને ફરિયાદીની ગાડીમાં નુકશાન કર્યું હતું.લખપત તાલુકાના કપુરાશી ગામે દોલતસિંહ અજીતસિંહ સોલંકી (ઉ.વ.ર૦) (રહે. કપુરાશી) જ્યારે વાડીએ ચોકી કરવા જતા હતા ત્યારે માર્ગ પર ગાડી સ્લીપ થતા તેઓને ઈજાઓ પહોંચી હતી. તો અન્ય એક બનાવમાં લખપતના જુમારા સોતાવાંઢના રહેવાસી મુસા લતીફ સોતા (ઉ.વ.પ૦) જ્યારે બાઈક રજી નંબર જીજે. ૧ર. એપી. ૧૬૮૧ લઈ ઘરે જતા હતા ત્યારે મથલ સર્વિસ સ્ટેશન પાસે ટ્રક નંબર જીજે. ૧ર. બીવી. ૪૪૭૭ના ચાલકે ટક્કર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. માર્ગ અકસ્માતમાં ઈજા પામનાર તમામને વધુ સારવાર માટે ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.