મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણ : વધુ એક  આરોપીની સંડોવણી ખુલતા ધરપકડ

મુંદરા કસ્ટોડિયલ ડેથ પ્રકરણ : વધુ એક  આરોપીની સંડોવણી ખુલતા ધરપકડ

જીઆરડી તરીકે મુંદરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શખ્સે આ કેસમાં મદદગારી કરતા
 તપાસનીશ ડીવાયએસપીની ટીમે ઝડપ્યો

મુંદરા : અહીંના પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથના મામલામાં વધુ એક આરોપીની સંડોવણી સામે આવી છે. જેમાં મુંદરા પોલીસમાં જીઆરડી તરીકે ફરજ બજાવનાર શખ્સને સ્થાનિક પોલીસે મુંદરામાંથી ઉપાડ્યો છે. મુંદરા કસ્ટોડિયલ ડેથના કેસની તપાસ ચલાવતા ડીવાયએસપી શ્રી પંચાલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, સમગ્ર કેસની તપાસમાં મુંદરા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા શંભુ દેવરાજભાઈ ઝરૂની સંડોવણી સામે આવતા તેની પણ ધરપકડ કરાઈ છે. મુંદરામાં જ રહેતા આ આરોપીને તપાસનીશ ટીમે ઝડપી પાડ્યો છે. શ્રી પંચાલે વધુમાં ઉમેર્યું હતું કે, શંભુ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતો હતો અને અન્ય આરોપીઓ સાથે તપાસમાં કામગીરી બજાવતો હતો. આ ગુનાની વાત કરીએ તો આરોપી શંભુ મુખ્ય આરોપીઓ સાથે પ્રાગપર ચોકડી પર ગયો હતો અને મદદગારી કરી હતી. શંભુનો રોલ આ કેસમાં મુખ્ય આરોપીઓને મદદગારી કરવાનો છે. તપાસમાં આ બાબત ધ્યાને આવતા વધુ એક નામનો ઉમેરો થયો છે અને તાત્કાલિક અસરથી આરોપીની અટક કરવામાં આવી છે. તો એટીએસએ ઝડપેલા આરોપીનો પણ કબ્જો મેળવ્યો છે. ત્યારે બન્ને આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હોવાનું ડીવાયએસપી જે.એન. પંચાલે અંતમાં ઉમેર્યું હતું.