નખત્રાણા : તાલુકાના મથલ ગામે રહેતી પરિણીતાને તેના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા શારીરિક – માનસિક ત્રાસ અપાતા ભુજ મહિલા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ભોગગ્રસ્ત પરિણીતાએ કરેલી અરજીને કાયદાનું સ્વરૂપ અપાતા તપાસ હાથ ધરાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણા તાલુકાના મથલ ગામે રહેતી મનીષાબેન ભરતભાઈ ભદ્રુ (ઉ.વ.ર૮)એ તેના પતિ ભરત નાનજીભાઈ ભદ્રુ, સાસુ હીરબાઈ, સસરા નાનજી મગનભાઈ ભદ્રુ અને નણંદ શાંતાબેન ભદ્રુ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાના પતિ દ્વારા લગ્ન જીવન દરમ્યાન મારકુટ કરી શારીરિક – માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જ્યારે અન્ય આરોપીઓ દ્વારા ચઢામણી કરી મહેણા ટોણા મારવામાં આવતા હતા. સાસરીયાના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ભુજ મહિલા પોલીસ મથકે અરજી કરી હતી. જેને આધારે ઉચ્ચસ્તરેથી મંજુરી મળતા વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવને પગલે હેડ કોન્સ. ચંદ્રકાન્ત બી. રોહિતે આગળની તપાસ હાથ ધરી છે.