મણિનગરમાં ૧૦૦ વર્ષથી વધુ જૂનું લીમડાનું ઝાડ ધરાશાયીઃ વૃદ્ધાનું મોત

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદના મણીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે ખોડિયાર માતાના મંદિર સકુંલને અડીને આવેલું ૧૦૦ વર્ષથી પણ વધુ જૂનું લીમડાનું ઝાડ એકાએક ધરાશયી થઈને શાકભાજીની લારીઓ અને નાસ્તાની લારીઓ ઉપર પડ્યું હતું. સોમવારે સાંજે બનેલી આ દુર્ઘટનામાં વૃક્ષની નીચે શાકભાજી ખરીદી રહેલા એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બ્લોક થઈ જતા ફાયરની ટીમે ઝાડને કાપીને રસ્તો ખુલ્લો કરવો પડ્યો હતો.
શહેરના મણીનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડની સામે આવેલા ખોડિયાર માતાના મંદિર પાસે એક દુર્ઘટના બની હતી. સાંજના સમયે મંદિર પરિસરમાં આરતી થઈ રહી હતી, તે દરમિયાન જ એકાએક મંદિરને અડીને આવેલું આ ૧૦૦થી પણ વધુ વર્ષ જૂનું લીમડાનું ઝાડના ધરાશાયી થયું હતું. જોકે ચાની કીટલી ધરાવતા આધેડ મોતીસિંહ રાજપુતે બુમાબુમ કરીને લોકોને ચેતવતા મોટી જાનહાનિ થતા ટળી ગઈ હતી.જોકે આ દુર્ઘટના સમયે જ કાંકરિયા ખાતે આવેલ ચંદ્ર પ્રકાશ સોસાયટી વિભાગ-૨ મા રહેતા ૬૪ વર્ષના વૃદ્ધા રેણુકાબેન મહેતાનું ઝાડ નીચે દબાઈ ગયા હતા. તેમને તાત્કાલિક ત્યાંથી કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રેણુકાબેનનું મોત નીપજ્યું હતું.