મંત્રીઓ આજથી ત્રણ દિવસ પ્રભારી જિલ્લાનાં પ્રવાસેઃ જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરશે

જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી મંત્રીઓ આગામી કેબિનેટ બેઠકમાં અહેવાલ રજૂ કરશે

પ્રભારીમંત્રીઓ જિલ્લાના અધિકારીઓ ઉપરાંત સાંસદ-ધારાસભ્યો તથા જિ.પંચાયતના ચુંટાયેલા સદસ્યો, સહિતનાઓની સાથે પણ કોરોનાની કરશે સમીક્ષા

(પ્રતિનિધિ દ્વારા)ગાંધીનગર : રાજ્યમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પોતાના પ્રભારી જિલ્લામાં આજથી ત્રણ દિવસનો પ્રવાસ કરીને જિલ્લા કક્ષાએ કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા
પગલાં તેમજ આરોગ્ય સેવાને વધુ સઘન બનાવવા માટેની કામગીરી અંગેની સમીક્ષા કરીને તેનો અહેવાલ તૈયાર કરીને જિલ્લાના પ્રભારી મંત્રી આગામી કેબિનેટમાં રજુ કરશે. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના નું સંક્રમણ વધુ વ્યાપક બની રહ્યું છે અને ચિંતાજનક રીતે કોરોના ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા તંત્રને કોરોના સંક્રમણને અટકાવવા માટે મદદરૂપ થવા તેમજ યોગ્ય માર્ગદર્શન આપી અને જિલ્લા કક્ષાએ કોરોનાના દર્દીઓ ને ઝડપી અને સારી સારવાર ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાના પ્રભારી મંત્રી ઓ આજથી ત્રણ દિવસ માટે પ્રભારી જીલ્લાઓનો પ્રવાસ શરૂ કર્યો છે.ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં રાજ્યમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેની સમીક્ષા કરીને તમામ મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લામાં ત્રણ દિવસ પ્રવાસ ખેડવાના જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરીને તેનો અહેવાલ રજુ કરવા માટે મંત્રીઓને કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી.કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયના પગલે આજથી તમામ મંત્રીઓ તેમના પ્રભારી જિલ્લામાં અને પોતાના જિલ્લામાં ત્રણ દિવસ પ્રવાસ ખેડશે અને જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે સ્થાનિક કક્ષાએ લેવામાં આવેલા પગલાની તેમજ જિલ્લામાં આવેલી હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને આપવામાં આવી રહેલી સારવારો અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સાધનો અને સેવાઓ અંગેની સ્થિતિનો તાગ મેળવીને કોરોના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાં ભરવા માટે જિલ્લાતંત્રને માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે. જિલ્લા પ્રભારી મંત્રી ઓ પ્રભારી જિલ્લામાં પ્રવાસ કરીને જિલ્લામાં કોરોનાની સ્થિતિ અંગેની સમીક્ષા કરીને જાત માહિતી મેળવી એક અહેવાલ તૈયાર કરીને આગામી કેબિનેટ બેઠકમાં અહેવાલ રજૂ કરશે.

કચ્છના પ્રભારી શ્રી ઠાકોર કવોરેન્ટાઈન હોવાથી હાલ તુરંત નહીં લે મુલાકાત

ગાંધીધામ : રાજય સરકાર દ્વારા જિલ્લા પ્રભારી મંત્રીશ્રીઓને કોરોનાની સ્થિતીતો તાગ જે-તે જિલ્લાઓમાં જઈને રૂબરૂ મેળવવાના સુચનો કર્યા છે ત્યારે કચ્છના જિલ્લા પ્રભારી શ્રી દિલીપભાઈ ઠોકાર ખુદ કોરોના સંક્રમિત હોવાથી હાલમા તેઓ હોમકવોરેન્ટાઈન રહેલ છે. એટલે હાલતુરંત તેઓ કચ્છની મુલાકાતે નહી આવે. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ તેઓ ચોકકસથી કચ્છ જિલ્લાની કોરોનાની સ્થિતીનો તાગ મેળવવા રૂબરૂ આવશે તેમ જાણવા મળ્યુ છે.