મંગળવારે ભુજના એલઆઈસી એજન્ટોએ હડતાલ કરી બંધ પાળ્યો

ભુજ : લાઈફ ઈન્સ્યોરન્સ કમિશન એટલે કે એલઆઈસીના એજન્ટોએ મંગળવારે ભુજમાં હડતાલ કરી સરકારી નીતિઓનો વિરોધ નોંધાવ્યો હતો. એલઆઈસી દ્વારા એજન્ટોના હિતના બદલે તેમનું અહીંત થાય તેવા નિર્ણયો લેવાયા છે. જેના વિરોધમાં સમગ્ર ભારતમાં એજન્ટોએ હડતાલ યોજી હતી. જેના ભાગરૂપે ભુજ એલઆઈસી એજન્ટ એસોસિએશને પણ બંધ પાળ્યો હતો. ભુજ બ્રાન્ચ એલઆઈસી એજન્ટ એસોસિઅશેના પ્રમુખ ભરતભાઈ ગોરે જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વર્ષોથી કમિશનમાં વધારો કરાયો નથી. તેમજ એલઆઈસીમાં ઓનલાઈન પ્રિમિયમ અને પોલીસી લેવાની સિસ્ટમ આવી જતાં તેના વિરોધમાં હડતાલ કરવામાં આવી છે. સંસ્થાના સ્થાપક કિશોરભાઈએ જણાવ્યું હતું કે, મોંઘવારી સતત વધે છે, તેમ છતાં એજન્ટ કમિશનમાં વધારો નથી થયો તેમજ નવી પોલીસીમાં કમિશન ઓછુ અપાય છે, ઓનલાઈન પ્રથાને જે રીતે વેગ અપાય છે તે જોતા એજન્ટોના પગ કપાયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઓલ ઈન્ડિયા લાઈફ ઈન્સ્યોરન્સ એજન્ટ, ફેડરેશન ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ આ આંદોલન કરાયું હતું. વિરોધ કરતી વેળાએ કિશોરસિંહ સોઢા, હિરચંદભાઈ ઠક્કર, નિરવભાઈ પટેલ સહિતના એજન્ટો હાજર રહ્યા હતા.