ભૂમાફિયાઓ વિરુદ્ધ ૧૩૩ એફઆઇઆર દાખલઃ ૩૧૭ આરોપીઓ જેલના હવાલે

(જી.એન.એસ.)ગાંધીનગર,ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવાના મક્કમ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ગરીબ-મધ્યમ પરિવારો તથા ખેડૂતોની જમીન પચાવી પાડનારને નશ્યત કરવા માટે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ સામેનો કાયદો લાવ્યા છીએ જેનાથી લોકો ખૂબ જ આનંદીત છે. આજે વિધાનસભામાં જૂનાગઢ ખાતે ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એકટ, ૨૦૨૦ હેઠળના કેસો ચલાવવા માટેની ખાસ કોર્ટની રચનાને લગતા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લેન્ડ ગ્રેબીંગની ફરીયાદો સંદર્ભની ૫૭ અરજીઓ મળી છે. સમગ્ર રાજ્યમાં કમિટીની ભલામણને આધારે ૧૩૩ એફ.આઇ.આર. થઇ છે. ૧૧૪ ચાર્જશીટ પણ દાખલ કરીને ૩૧૭ જેટલા ભુમાફિયાઓને જેલના હવાલે ધકેલી દેવાયા છે. સમગ્ર રાજ્યમાં ૧,૩૮૪ વીઘા જેટલી જમીન તેમના મુળ માલીકોને પરત કરવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આવા ભૂમાફીયાઓ રાજ્યમાં અન્ય કોઇ ગુના ન કરે તે માટે રાજ્યની સ્ટેટ ક્રાઇમ બ્રાંચ દ્વારા જરૂરી ટ્રેક રેકર્ડ રાખવામાં આવે છે જેના પરિણામે આવા તત્વોને વધુમાં વધુ જેલમાં રાખી શકાય. પ્રદિપ જાડેજાએ જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીવંત આયોજન અને પરિણામલક્ષી કામગીરીના પરિણામે રાજ્યમાં આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગરીબ પરિવારોને મદદરૂપ થવા આ કાયદો બનાવ્યો છે જેના પરિણામે આજે રાજ્યભરમાંથી સરકારને આશિર્વાદ મળી રહ્યા છે અને રાજ્યમાં પ્રવર્તી રહેલ ઉત્તમ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના કારણે આજે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓમાં ૯૦ ટકા બેઠકો ભાજપના ફાળે આવી છે. એટલે પ્રજા સરકારની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ છે.