ભુજ RTO માં HSRPનું કૌભાંડ ? : પ૬૦૦ પ્લેટ સગેવગે ?

ટેકસ ચોરી તેમજ ચોરીના વાહનોમાં આ નંબર પ્લેટોનો ઉપયોગ થઈ રહ્યો હોવાની ચર્ચા : પ્લેટ લગાવવા માટે આરટીઓમાં વાહન લાવવાના હોય છે પરંતુ શેટીંગ કરી ઘરે જઈ ફીટ કરાય છે નંબર પ્લેટ : સરકાર દ્વારા નિયત કરાયેલા દરથી વધુ રૂપિયા વસુલી આર્થિક કૌભાંડ પણ આચરાતું હોવાનો ઘટસ્ફોટ : ઈન્ચાર્જ આરટીઓ સી.ડી. પટેલે હરહંમેશની માફક ફોન ઉપાડવાની ન લીધી તસ્દી

(બ્યુરો દ્વારા) ભુજ : ભુજ આરટીઓ કચેરી કૌભાંડોના કારણે સમયાંતરે ચર્ચામાં રહેતી હોય છે. પલળેલા એજન્ટો અને ફોલ્ડરીયાઓના હવાલે કચેરીનું વહીવટ નભતો હોઈ અધિકારી – કર્મચારીઓ માત્ર રબ્બર સ્ટેમ્પ સમાન ભૂમિકામાં જ જોવા મળતા હોય છે. ટેકસ ચોરી, બોગસ પાસીંગ, ડીએમ સીરીઝ, બોગસ લાયસન્સ સહિતના કૌભાંડો થકી રાજ્યભરમાં ગંભીર પડઘા પડી ચુકયા છે. જો કે, આ કૌભાંડોને અટકાવવા માટે ધાક બેસાડતા પગલા લેવાઈ રહ્યા ન હોઈ કૌભાંડીઓ ફાટીને ફુલેકે ચડયા છે. કચેરીની કેટલીક કામગીરી એજન્સીઓને પણ સોપી દેવામાં આવી છે, જે પૈકીની એક એચએસઆરપીની કામગીરી પણ છે. એચએસઆરપીની કામગીરી પ્રારંભથી જ વિવાદમાં રહી છે ત્યારે ભુજ આરટીઓ કચેરીમાં એચએસઆરપીનું મહાકૌભાંડ આચરાતા પ૬૦૦ પ્લેટના નવડા મળી રહ્યા નથી.
આ અંગેની વિગતે વાત કરીએ તો ગુનાહીત પ્રવૃતિ પર અંકુશ મુકી શકાય ઉપરાંત વાહનોની ઓળખ ઝડપી બને તે હેતુથી એચએસઆરપી એટલે કે, હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ વાહનોમાં લગાડવામાં આવે છે. આવી પ્લેટો આરટીઓ કચેરી ઉપરાંત વાહનોના ડીલરો પાસેથી પણ લગાવી શકાય છે. જો કે, જુના વાહનોમાં પ્લેટ લગાવવા માટે આરટીઓ કચેરીમાં જ જવું પડે છે. ભુજ આરટીઓ કચેરીમાં ખાનગી એજન્સી મારફતે નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી પ્રારંભથી જ સમયાંતરે વિવાદોથી ઘેરાયેલી રહી છે. અગાઉ જયારે લાંબા લચક વેઈટીંગ જોવા મળતા હતા ત્યારે વ્હાલા દવલાની નીતિ અપનાવી લાગતા વળગતાઓ પાસેથી વધુ રૂપિયા લઈ તેઓને પ્લેટ લગાવવામાં પ્રાધાન્ય અપાતું હતું. જો કે, હવે તો મનમાની વધી ગઈ હોય તેમ નિયમોને નેવે મુકી વાહન ચાલકોના ઘેર જઈ સરકાર દ્વારા નિયત કરાયેલ દર કરતા વધુ રૂપિયા વસુલી પ્લેટો લગાવી દેવામાં આવી રહી છે. જો કે, આ કામગીરીના કેટલાક મોટા કૌભાંડોને પણ આચરવામાં આવી રહ્યા છે તેવું કચેરીમાં ચર્ચાઈ રહ્યું છે.
આરટીઓ કચેરીના સુત્રોનું માનીએ તો ટેકસ ચોરી માટે તેમજ ચોરીના વાહનોમાં એચએસઆરપીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. જે વાહનોનો ટેકસ ભરેલો હોય તેની પ્લેટો અન્ય વાહનોમાં પણ લગાવી આરટીઓ તંત્રને મોટા પ્રમાણમાં ચુનો ચોપડાઈ રહ્યો છે. તો ચોરીના વાહનોેમાં પણ આ પ્લેટો લગાવી ગુનાખોરી પ્રવૃતિ પણ આચરાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભુજ કચેરીમાંથી પ૬૦૦ જેટલી હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટના નવડા મળી રહ્યા નથી જેના લીધે જવાબદારોમાં દોડધામ મચી છે.આ બાબતે ઈન્ચાર્જ આરટીઓ સી. ડી. પટેલનો ટેલિફોનીક સંપર્ક સાધવાની કોશિષ કરાતા હર હંમેશની માફક તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી.

ભુજ આરટીઓમાં એચએસઆરપી પ્લેટની ફાઈલ રફેદફે કે,પછી ગુમ?

આરટીઓશ્રીએ કહ્યું કે, નોટીસ અપાઈ છે, વડી કચેરીને રીપોર્ટ કરાયો છે, વિગતો ફાઈલમાં છે, ઈન્સપેકટરને વિગતો આપવા જણાવી સુચના, ઈન્સપેકટર એ.ડી.પટેલ..કહે છે, “સાહેબ તો કચેરી બહાર છે, ફાઈલ કચેરીમાં કયાંય મળતી નથી” : વિચાર તો કરો આવી ગંભીર બાબતે કેટલી લાપરવાહી દાખવાય છે..!

ગાંધીધામ : એચએસઆરપી નંબર પ્લેટ મુદ્દે સરકાર ખુબ ગંભીર છે. હાઈસિકયુરીટી નંબર પ્લેટસ લગાવી અને સરકાર એનકવીધ કરતુતોને થતી જ અટકાવવાની દીશામાં પ્રયત્નશીલ છે ત્યારે બીજીતરફ ભુજની આરટીઓ કચેરીમાં આ જ એચએસઆરપી પ્લેટના ગુમ થવાના પ્રકરણમાં ઉપલી કક્ષાએથી કાર્યવાહી તો કરાઈ છે, નોટીસ પાઠવાઈ ગઈ છે અને ખુદ કડક અને જાગૃત આરટીઓશ્રી પણ જણાવે છે કે, કસુરવારને નેાટીસ અપાઈ છે, ઉપલીકક્ષાએ રીપોર્ટ કરી દેવાયો છે પણ વિચાર તો કરો કે આ તમામ કાર્યવાહી થયાની ફાઈલ ભુજ આરટીઓ કચેરીમાં મોજુદનથી. આરટીઓશ્રીને પુછતા તેઓએ ઈન્સપેકટરને આ ફાઈલ જોઈ અને વિગતો આપવા જણાવેલ, જયારે કે, ઈન્સપેટકર શ્રી એ.ડી.પટેલને મળતા તેઓએ કહ્યુ કે, સાહેબ તો ખુદ કચેરીથી બહાર છે, અને આવી કોઈ જ ફાઈલ હાલમાં કચેરીમાં કયાંય મોજુદ જણાતી નથી. હવે આમા સંકલનનો અભાવ સમજવો કે પછી આવી ગંભીર પ્રકારની ફાઈલો પણ રફેદફે કરી દેવામા આવી રહી છે તેવા સવાલો પણ ઉઠવા પામી રહ્યા છે.

રાજકોટ FTA કંપનીએ ઓડીટ કર્યુ છે,ગેરરીતિ આચરનારને નોટીસ મળી છે : RTO શ્રી

ગાંધીધામ : ભુજ આરટીઓ કચેરી ખાતે એચએસઆરપી નંબર પ્લેટના નવડા નથી મળી રહ્યા, આ નંબર પ્લેટસમાથી મોટી માત્રામાં સગેવગે કરવામા આવી છે તે સબબ આરટીઓ અધિકારીશ્રી સી.ડી.પટેલને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, તાજેતરમાં જ રાજકોટ એફટીએ કંપનીનું ઓડીટ આવેલ હતુ અને તેમાં સુપરવાઇજરને નેાટીસ મળવા પામી છે.
આ બાબતે હેડઓફીસને રીપોર્ટ પણ સબમીટ કરી દેવામા આવ્યો હોવાનુ શ્રી પટેલે ઉમેરી અને વધુમાં કહ્યુ હતુ કે, પ૬૦૦ જેટલી નંબર પ્લેટ મિસપ્લેઝ થઈ હોવાની કોઈ જ માહીતી સત્તાવાર રીતે મળી નથી. તો પછી કેટલી ગુમ થઈ છે તેવુ શ્રી પટેલને પુછતા તેઓએ કહયુ હતુ કે, મારે ચકાસવુ પડશે. એચએસઆરપીની નંબર પ્લેટનુ કામ એફટીએ નામની કંપની જ સભાળી રહી છે. અમારો તેઓ પર સીધો હસ્તક્ષેપ કોઈ જ રહેતો હોતો નથી. વડી કચેરી કક્ષાએથી જ આગળની કાર્યવાહી થવા પામી શકશે તેમશ્રી પટેલે જણાવ્યું હતુ.

રાજયવ્યાપી કૌભાંડ તો નથી ને..? આર.સી.ફળદુ કચ્છમાં કેમ ન કરાવે કડક તપાસ.?

ટેક્ષચોરી તથા ચોરીના વાહનોમાં આવી પ્લેટસ લગાડીને સરકારને લાગી રહ્યો છે કરોડોનો ચુનો? કોની બલિહારી..?

ગાંધીધામ : હાઈસિકયુરીટી રીસોલ્યુશન પ્લેટ એટલે કે એચએસઆરપીને લઈને સરકાર ખુબ ગંભીર છે. લોકોને આ પ્લેટ લગાડવાની દીશામાં સરકારે ભગીરથ મહેનત કરી છે. ત્યારે ભુજમાં આવી કેટલીક પ્લેટસ ગુમ થઈ હોવાની વાત પ્રાથમિક તબક્કે બહાર આવવા પામી રહી છે. જિલ્લા આરટીઓ અધિકારી ઓડીટમાં ખુલાસો થયો છે અને કસુરવારને નોટીસ મળી છે તેવી માહીતી સત્તાવાર આપી રહ્યા છે પરંતુ આ સલગ્ન ફાઈલ કે ઠોસ આંકડાકીય કે સાધનીક માહીતીઓ કચેરીમાં મળવા પામતી ન હોવાથી જાણકારો દ્વારા સવાલ થવા પામી રહ્યો છે કે, ખાનગી કંપની એફટીએને આ કામનો ઠેકો અપાયેલ છે ત્યારે આ મુજબનુ કૌભાડ રાજયવ્યાપી તો નથી ચાલતુ ને? કચ્છમા બનેલા ઘટનાક્રમ બાબતે હકીકતમા વાહન વ્યહવાર વિભાગ મંત્રી આર સી ફળદું આ બાબતે ખુદ રસ લે અને ઘનિષ્ઠ તપાસ કરાવડાવે તે જ હિતાવહ બની રહેશે.