ભુજ સુધરાઈના કર્મઠ પ્રમુખની ટીમથી ગાંધીધામ નગરપાલિકાના સુકાની બોધપાઠ લેશે..!

ચોમાસા પૂર્વે નાળા સફાઈની ભુજ સુધરાઈની આ વખતની કાર્યવાહી કાબીલેદાદ : નાળા સફાઈના ઠેકેદારને ન માત્ર સફાઈ પુરતા બલ્કે આખાય ચોમાસા દરમ્યાનની સોપી દીધી જવાબદારી, હવે કામ ચાલુ થયુ છે ત્યારે ખુદ પ્રમુખશ્રી કામ પર રાખી રહ્યા છે દેખરેખ, સવાર પડેને કોઈ વિસ્તામાં ખુદ સરપ્રાઇજ વિઝિટમાં નીકળી પડે છે, ઉપરાંત જે-તે વિસ્તારના કામોની મોનીટરીંગની ટોટલ જવાબદારી પણ -સબંધિત નગરસેવકના શિરે આપી દીધી : ગાંધીધામ સુધરાઈના નવા સુકાનીને કેમ આવું કંઈ સુજતુ જ નથી? આવડતનો અભાવ, માત્ર બગાસા ખાતા પતાસાનો જ લઈ લેવો જ લાભ, કે પછી શહેરીજનોની સુખાકારીના કામો અંગે દાખવાઈ રહી છે તદન લાપરવાહી? : જાણકારોનો યક્ષ સવાલ : ગાંધીધામમાં ઉપપ્રમુખ આવા કામોને લઈને અનુભવી છે તો સુકાની કેમ તેમના અનુભવનો લાભ નથી લેતા, ઉપપ્રમુખશ્રી પાસેથી પણ મેળવવુ જાેઈએ માર્ગદર્શન..?

પ્રમુખ-પ્રમુખમાં કેટલો ફર્ક..! : એક થઈ રહેલા કામ જાેવા ધોમધખતા તાપમાં ખુદ ઉભા રહીને સારી ગુણવત્તાથી કામ પુરૂ થાય તેની સેવી રહયા છે ચિંતા, જયારે બીજા પ્રમુખ છે કે તેઓ રીબીનો કાપી, ઉદ્‌ઘાટનો કરીને ફોટા સેસન સિવાય કયાંય વધુ જાેવા જ નથી મળતા..જાે કે, વગર મહેનતે મળેલ હોય તેને પ્રજા સેવાની શુ ખબર પડે? સલાહકારો પણ કોઈ જાેતુ જ ન હોવાની કરી રહ્યા છે ભલામણો…!

ગાંધીધામ : સ્વરાજ જંગની ચુંટણીઓ બાદ કચ્છની નગરપાલીકાઓમાં ભાજપ શાસિત બોડી આવી છે અને સુકાનીઓ પણ અહી વરાઈ ગયા છે પરંતુ ચુંટણીઓ વખતે આપેલા વચનો નિભાવવાની દીશામાં હાલના સમયે ભુજ સુધરાઈના યુવા-અનુભવી પ્રમુખ જે રીતે કર્મઠતાના દર્શન કરાવી રહ્યા છે તેને લઈને બાકીનાઓની સુસ્તી અથવા તો ઈચ્છાશકિતના અભાવની ચાડીઓ ખુલ્લીને સામે આવી જવા પામી રહી હોય તેમ લોકોમાં ભારે ગણગણાટ થવા પામી રહ્યો છે. ભુજ સુધરાઈમાં દર વખતે નાળા સફાઈ માટેના કામોના ટેન્ડરો તો આપવામાં આવે જ છે, પરંતુ આ વખતે જે ટેન્ડર અપાયા છે તેમાં પ્રમુખશ્રી અને નવી બોડીએ ઘણી બધી તકેદારીઓ રાખી છે એટલુ માત્ર જ નહી પણ ચોમાસાની દસ્તકની સાથે જ હવે નાળા સફાઈના જે કામો શરૂ થવા પામ્યા છે તેમાં પણ જે વ્યવસ્થાઓ કરાય છે, ખુદ મોનીટરીંગ માટે પણ પહોચી જાય છે તેનાથી પ્રજાની સુખાકારીમાં વધારો થવાનો તથા સરકારની તિજાેરીમાંથી આવતા નાણાનો પણ સાચો ઉપયોગ થવાનો એક મોટો આશાવાદ ઉભો થવાની સાથોસાથ જ પૂર્વ કચ્છની એ કેટેગરીની નગરપાલીકા ગાંધીધામના સુકાનીઓની સામે પણ હવે પ્રબુદ્ધવર્ગમા અંગુલીનિર્દેશ વધી જવા પામી રહ્યો છે.

આ બાબતે સહેજ વિગતે થતા ગણગણાટમાં ડોકીયુ કરીએ તો ભુજ સુધરાઈએ પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દીધી છે. તેઓએ નાળા સફાઈ માટે આપેલા ટેન્ડરમાં આ વખતે આખેઆખા ચોમાસા સુધીની જવાબદારી જે તે ઠેકેદારોની ફીટ કરી દીધી છે. એટલે ચોમાસા દરમ્યાન કયાંય પણ સમસ્યા સર્જાય તો તે ઠેકેદારે જ કલીયર કરવાની રહે. ઠેકેદારને આવી જવાબદારી અપાય એટલે તે અત્યારથી જ તેના માટે ભવિષ્યમાં સમસ્યાઓ ઉભી ન થાય તે મુજબનુ જ મજબુત કામ કરશે તે નકકી છે. ત્યારે અહી સવાલ થાય છે કે, ગાંધીધામ નગરપાલીકાના બની બેઠેલા સુકાનીને કેમ આવા વિચાર નથી આવતા? તેઓને કેમ આવુ કઈ કરવાનુ સુજતુ નથી? શુ ગાંધીધામમાં નાળા સફાઈનુ કામ પારદર્શકતાથી જ થાય છે? આપણે સૌ જાણીએ છેકે, અહી હાલમાં થયેલા નાળાના કામો પણ કેટલા અડધાઅધુરા થયા છે અને તેના પણ બીલો ચુકવવાની કેવી ઉતાવળો કરાઈ છે? આ ઉપરાંત ભુજના પ્રમુખશ્રી ખુદ નાળા સફાઈ સહિતના કામોને જાેવા સરપ્રાઇઝ વિઝીટ ખુદ અલગ અલગ વિસ્તારોની રોજ લઈ રહ્યા છે, ગાંધીધામના બની બેઠેલા સુકાની તો સમ ખાવા પુરતા પણ કયાંય ડોકાતા નથી? વધુમાં ભુજમાં નાળા સફાઈની કામગીરી જે-તે નગરસેવકની પણ જવાબદારીઓ ફીટ કરવામા આવી છે કે તેમના વિસ્તારમાં થતા કામોની સારસંભાળ તે નગરસેવકો જ રાખશે? મોનીટરીંગ જે તે નગરસેવક જ કરશે.! ગાંધીધામમાં આ બધી પહેલ કેમ નહી? અહી જાણે કે બગાસા ખાતા પત્તાસા જ આવી ગયા હોય તેમ તાલ થઈ રહ્યો છે અને તે રીતે જ કાર્યકાળ પૂર્ણ કરી દેવાનો છે કે શુ? જાણકારો તો એમ કહે છે કે ખુદને આવડત ન હોય, ગતાગમ ન હોય, ઈચ્છાશકિત ન હોય તો ભુજના પ્રમુખ અને નવી બોડી જે રીતે કામો કરી રહી છે તેમાથી તો થાડો ઘણો શબક મેળવે? ગાંધીધામ સુધરાઈમાં હાલમાં ઉપપ્રમુખ આવા બધા કામોના અનુભવી અને માહેર છે, તો પછી સુધરાઈના બની બેઠેલા સુકાની કેમ તેઓનુ માર્ગદર્શન અને સલાહ નથી લેતા? હજુય મોડુ નથી થયુ, જાગ્યા તયારથી સવારના ગુણને સમજી હકીકતમાં ગાંધીધામની શહેરી પ્રજાની સેવા કરવા માટે જ જાે આ સુકાની આવ્યા હોય તો હજુ પણ બોધપાઠ લઈ અને આ પ્રકારની કાર્યવાહી કરી દેખાડે તેવી લોકમાંગ તેજ બનવા પામી રહી છે.