ભુજ સમરસ કોવિડ કેર સેન્ટરમાં ૧૦ વેન્ટીલેટર બંધ હાલતમાં

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપી રજુઆત કરાઈ

ભુજ : કોવિડ -૧૯ મહામારીમાં કોવિડના દર્દીઓને વેન્ટીલેટરની જરૂર પડે છે. ત્યારે ભુજ કચ્છ યુનિવર્સિટી મધ્યે સમરસ કોવિડ હોસ્પિટલમાં ૧૦ જેટલા વેન્ટીલેટર ધુળ ખાય છે. તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તે માટે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ – કચ્છ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.ભુજમાં કચ્છ યુનિવર્સિટી મધ્યે સમરસ કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ હતી.આ હોસ્પિટલમાં ૧૦ જેટલા વેન્ટીલેટર હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં નથી આવતો જેના કારણે વેન્ટીલેટર ધુળ ખાઈ રહ્યા છે. જેના કારણે દર્દીઓને જયારે વેન્ટીલેટરની જરૂર પડે છે. ત્યારે સમરસ હોસ્પિલના ડોકટરો દ્વારા દર્દીઓના સગાઓને કહેવામાં આવે છે કે તમે ખાનગી હોસ્પિટલના લઈ જાઓ, પ્રાઈવેટ હોસ્પિટલવાળા વેન્ટીલેટર ૪૦ હજાર ચાર્જ વસુલે છે. આમ, સરકારી અને ખાનગી હોસ્પિટલની મીલીભગત તો નથી ને ? તેવા આક્ષેપો દલિત અધિકાર મંચના નરેશભાઈ મહેશ્વરીએ કર્યા હતા.તો વળી કચ્છની મુલાકાતે આવેલ રાજયના મુખ્યમંત્રીએ બે હજાર બેડવાળી હોસ્પિટલના જાહેરાત કરી હતી તેનો પણ ફિયાસ્કો થયો છે. ઉપરાંત સમરસ તથા જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે બાયપેપ અને ઓક્સિજન પરના દર્દીઓને પુરતો ફલો આપવામાં આવત નથી. જેના કારણે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ભાજપવાદ અને સગાવાદમાં સામાન્ય પ્રજાને સુવિધાઓ મળતી નથી. ઉપરાંત રેમડેસીવીર ઈન્જેકશનની કાળાબજારી અંગે પણ આક્ષેપો કર્યા હતા. આ તમામ પ્રશ્ને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.જો મંચની માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આગામી સમયમાં મુખ્યમંત્રીના પુતળાદહનનું કરાશે તેવી ચીમકી આપવામાં આવી હતી.