ભુજ લખુરાઈ ચાર રસ્તા પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો

પશ્ચિમ એસ.પી.ની ટીમે ૪૮ કલાકમાં આરોપીઓને દબોચી લીધા : બે આરોપીઓની ધરપકડ અને કંપની સહ કર્મી સહિત બે આરોપીઓના નામ ખુલ્યા

ભુજ : ભુજ શહેરમાં લખુરાઈ ચાર રસ્તા પાસે બે દિવસ પૂર્વે છરીની અણીએ રૂ. ૫.૭૧ લાખની લૂંટ થઈ હતી. જે કેસનો પોલીસે ભેદ ઉકેલી લીધો છે.સીસીટીવી કેમેરાના આધારે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી લૂંટમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કર્યો છે. પશ્ચિમ એસ.પી. સૌરભસિંઘની ટીમે ૪૮ કલાકની જહેમત બાદ આ ઘટનાનો ભેદ ઉકેલી લીધો છે.

ભુજમાં લખુરાઈ ચાર રસ્તા પાસે બુધવારે બપોરના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. સીએમએસ કંપનીનો માણસ રોકડા રૂપિયા લઈ બેંકમાં જમા કરાવવા જતો હતો ત્યારે ઈનસટાકાર્ટની ઓફીસ બહાર લૂંટનો બનાવ બન્યો હતો.ફરિયાદી પાસેથી છરીની અણીએ રૂ.૫.૭૧ લાખની લૂંટ થતા પોલીસબેડામાં દોડધામ મચી ગઇ હતી જેથી જુદી જુદી ટિમો બનાવવામાં આવી હતી. જેમાં એલસીબી દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે આરોપીઓના વર્ણનવાળું પલ્સર બાઇક જાેવા મળતા તપાસ કરાઈ હતી જેમાં આ બાઇક નાના રેહા ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે લાલો જાડેજા પાસે હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીની ટીમ નાના રેહા પહોંચી હતી જાેકે આરોપી ભુજમાં પ્રમુખસ્વામી નગર ખાતે તેના મિત્ર રવિરાજસિંહ વાઘેલાના ઘરે હોવાનું જાણવા મળતા પ્રમુખસ્વામી નગરમાં તપાસ દરમિયાન બાઇક મળી આવ્યું હતું.

પ્રમુખસ્વામી નગરમાં મકાનની અંગઝડતી દરમિયાન ઘરમાંથી રોકડ મળી આવી હતી જેના કોઈ આધાર પુરાવા ન હતા જેથી બંને યુવકોની પૂછપરછ કરતા તેમણે લખુરાઈ ચાર રસ્તા પાસે લૂંટ કરી હોવાની કબૂલાત આપી હતી. જેથી લૂંટમાં ગયેલ તમામ રોકડનો મુદામાલ પોલીસે રિકવર કરી આરોપીની બાઇક કબ્જે કરી હોવાનું પોલીસવડા સૌરભસિંઘે જણાવ્યું હતું.

વધુમાં પશ્ચિમ પેાલીસ વડા સૌરભસિંઘે જણાવ્યું હતું કે, આરોપી પૃથ્વીરાજસિંહે એવી કબૂલાત આપી છે કે તે પાંચ દિવસ પૂર્વે નાના રેહા ગામના રાજદીપ સિંહ જાડેજા જાેડે રાત્રે ઓટલે બેઠો હતો ત્યારે ઇનસટાકાર્ટ કંપનીમાં નોકરી કરતા નાના રેહા ગામના સિદ્ધરાજસિંહ જાડેજાએ ટીપ આપી કે,દરરોજ ડ્રિમ યુગા બાઇક લઈ એક છોકરો ઓફીસ પાસેથી નીકળે છે જેની પાસે ત્રણ થી ૪ લાખ કેશ હોય છે. જેથી આ ટીપના આધારે લૂંટનો પ્લાન ઘડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અલબત્ત મુખ્ય બે આરોપીઓ ઝડપાઇ ગયા છે અન્ય બે આરોપીઓ સિધ્ધરાજસિંહ અને રાજદીપસિંહને ઝડપી પાડવા પોલીસે કવાયત આરંભી છે. ગણતરીના કલાકોમાં લૂંટનો ભેદ ઉકેલી પોલીસે ફરી પ્રજામાં વિશ્વાસ અકબંધ બનાવ્યો છે.