ભુજ બીએપીએસ મંદિર દ્વારા ૧૭ ઓક્સિજન કન્સન્ટ્રેટર અર્પણ કરાયા

ભુજ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગુરૂહરિ પ.પૂ. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી વર્તમાન સમયની કોરોના મહામારીમાં પીડીતોને મદદરૂપ થવા કચ્છની વિવિધ હોસ્પિટલોમાં ૧૭ મશીનો અર્પણ કરવામાં આવ્યા હતા. પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી વર્ષમાં સંસ્થા દ્વારા વૈશ્વિક કક્ષાએ વિવિધ સેવાકાર્યો અવિરત ચાલી રહ્યા છે. સંસ્થાના વિદ્વાન સંતો અને સમર્પિત હરિભક્તો સમાજને સંકટ સમયે મદદરૂપ થવા સતત સક્રિય છે.
ભુજ મંદિર ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા તથા ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં એક સાદા કાર્યક્રમમાં કોઠારી પૂ. વિવેકમંગલ સ્વામીના હસ્તે પૂજન કરાયેલ ૧૭ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીનો વિવિધ હોસ્પિટલોમાં જઈને હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને મુખ્ય તબીબોની ઉપસ્થિતિમાં બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ વતી સ્વયંસેવકો દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા. સાંસદે આ પ્રસંગે આભાર વ્યક્ત કરી આવા કપરા સમયે જરૂરી મશીનો કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં વિશેષ ઉપયોગી બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. કોઠારી પૂ. વિવેકમંગલ સ્વામીના માર્ગદર્શનમાં સરકારી ગાઈડલાઈન મુજબ કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.