ભુજ પ્રાંતની અપીલથી સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧ હજાર રાશનકીટનું વિતરણ

ધંધા-રોજગાર પર નિયંત્રણ આવતા નાના ધંધાર્થીઓને ભરણ-પોષણમાં મુશ્કેલી થતી હોવાની મળી હતી રજૂઆત : તંત્રની ટીમો મારફતે રાશનકીટ અપાઈ

ભુજ : કોરોના વાયરસના કારણે સરકારે ભુજ શહેરમાં રાત્રિ કફ્ર્યુ ઉપરાંત દિવસે કડક નિયંત્રણો લગાવ્યા છે. ગત ર૭ એપ્રિલથી આ નિયંત્રણો અમલી બન્યા છે તેમાં પણ હવે સપ્તાહની મુદ્દત વધારી દેવાઈ છે. જાેકે, આ સમય દરમ્યાન જુદી-જુદી પ્રવૃત્તિઓ, ધંધા-રોજગાર પર નિયંંત્રણ આવી જતા નાના ધંધાર્થીઓને ભરણપોષણ મુશ્કેલ બન્યું છે, જેથી લારી-ગલ્લા એસોસિએશન દ્વારા આ કપરા સમયમાં જરૂરી મદદ માટે મદદનીશ કલેક્ટર મનિષ ગુરવાની સમક્ષ રજૂઆત કરાઈ હતી, જે રજૂઆત અન્વયે મદદનીશ કલેક્ટર કચેરી દ્વારા સ્વામિનારાયણ મંદિર ભુજને આ કપરા સમયમાં નાના ધંધાર્થીઓને મદદ કરવા ટહેલ કરાઈ હતી, જેથી મંદિર દ્વારા ૧ હજાર રાશનકીટ તૈયાર કરાઈ છે, જેનું વહિવટી તંત્રના નાયબ મામલતદાર, રેવન્યુ તલાટી, નગરપાલિકાના સ્ટાફ, સંતો અને સ્વયંસેવકોની મદદથી વિતરણ કરાઈ રહ્યું છે. આ કાર્યમાં ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજી, સદ્દગુરૂ સ્વામી પ્રેમપ્રકાશદાસજી, પાર્ષદવર્ય જાદવજી ભગત, ઉપમહંત સ્વામી ભગવતજીવનદાસજી, કોઠારી સુખદેવ સ્વામીજી, ટ્રસ્ટી મુળજીભાઈ શિયાણી, રામજીભાઈ વેકરિયા, શશીકાંતભાઈ ઠક્કર સહભાગી બન્યા છે. આવા કપરા સમયમાં માનવ સેવાના ઉમદા હેતુથી ગરીબ પરિવારોને સહાયભૂત થવા બદલ સમગ્ર વહિવટી તંત્ર તરફથી મદદનીશ કલેક્ટર કચેરી, ભુજ દ્વારા સ્વામિનારાયણ મંદિરનો આભાર માનવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ કપરા સમયે આવા સત્કાર્યો ચાલુ રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરાઈ હોવાનુું પ્રાંત અધિકારી મનિષ ગુરવાનીએ જણાવ્યું હતું.