ભુજ પીજીવીસીએલના કર્મચારીના બે વાર્ષિક ઈજાફા બંધ કરવાની સજા કોર્ટે યોગ્ય ઠરાવી

રાજકોટ : પીજીવીસીએલ ભુજ દ્વારા પ્રોહીબીશન એકટ તેમજ અન્ય તહોમતો સબબ કર્મચારીને કરવામાં આવેલ બે વાર્ષિક ઇજાફા બંધ કરવાની સજા ઔદ્યોગિક અદાલત રાજકોટે યોગ્ય ઠરાવી હતી. આ કેસની હકીકત એવી છે કે પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરી ભુજ કચ્છમાં ફરજ બજાવતા અરજદાર બી.એમ. વ્યાસ દ્વારા ગુજરાત વિદ્યુત શ્રમિક ભુજ મારફતે ઔદ્યોગિક અદાલત રાજકોટ સમક્ષ એવો વિવાદ ઉપસ્થિત કર્યો હતો કે, તેઓ જયારે દયાપર પેટા વિભાગીય કચેરીમાં ઈલેકટ્રીક આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેઓની ઉપર પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો કરવા સબબ પોલીસ ફરીયાદ થયેલી જે અનુસંધાને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરી ચાર્જશીટ અપાઈ હતી. ત્યારબાદ ખાતાકીય તપાસ કરી બે વાર્ષિક ઈજાફા બંધ કરવાની સજાનો હુકમ થયો હતો. જે સજા વધુ પડતી હોય તેમજ પ્રોહીબીશનના ગૂન્હામાથી તેઓને ફોજદારી કોર્ટ દ્વારા નિદોર્ષ છોડી મુકવામા આવેલ હોવાથી સજાનો હુકમ રદ્‌ કરવા માંગણી કરી હતી. બંને પક્ષોની દલીલો તેમજ રજુ થયેલ પુરાવાઓ ઘ્યાને લઈ ઔદ્યોગિક અદાલતના ન્યાયધીશ જે.કે. પંડયાએ કામદારને બે વાર્ષિક ઈજાફા કાયમી ધોરણે બંધ કરવાની સજાનો હુકમ યોગ્ય ઠરાવ્યો હતો.