ભુજ નીખીલ ડોંગા કેસ : વધુ પોલીસકર્મીઓ પર ગાજ વરસી

વધુ એક પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરીને મેળવાયા રિમાન્ડ : અગાઉ ઝડપાયેલા પીએસઆઈ અને કોન્સ્ટેબલની તપાસમાં અન્ય પીએસઆઈ અને એએસઆઈનું ખૂલ્યું હતું નામ : નિખિલ દોંગા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

ભુજ : ગુજસીટોકનો આરોપી નિખિલ દોંગા ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી ફરાર થઈ ચૂક્યો હતો, જેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આરોપી જી.કે.માંથી નાસી જવાના કિસ્સામાં બેદરકારી દાખવનાર પીએસઆઈ અને કોન્સ્ટેબલની ધરપકડ કરી રિમાન્ડ મેળવાયા હતા. તેમની પૂછતાછમાં જાપ્તામાં રહેલા અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની સંડોવણી સામે આવતા તેમની પણ ધરપકડ કરીને આગામી ૩-૪ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હોવાનું તપાસનીશ ડીવાયએસપી જે.એન. પંચાલે જણાવ્યું હતું.ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાંથી નાસી છૂટેલા ગુજસીટોક ગુનાના કુખ્યાત આરોપી નિખિલ દોંગાને ભગાડવામાં સ્થાનિક પોલીસ અધિકારી – કર્મચારીઓએ જ ગુનાહિત કાવતરૂ રચીને તેને ભગાડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી નાસી જવાની સમગ્ર ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઈ હતી ત્યારે પોલીસેે સીસી ટીવી કેમેરાની તપાસ કરવા ઉપરાંત આરોપીઓની મોબાઈલ કોલ ડીટેઈલ્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં અગાઉ પોલીસ જાપ્તામાં રહેલા પીએસઆઈ આર.બી. ગાગલ અને કોન્સ્ટેબલ રાજેશ રાઠોડની પોલીસ ધરપકડ કરીને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમ્યાન કરાયેલી પૂછતાછમાં આરોપીઓને ભગાડવામાં અન્ય એક પીએસઆઈ અને એએસઆઈની પણ સંડોવણી સામે આવી હોવાનું ડીવાયએસપી પંચાલે જણાવ્યું હતું, જેમાં પીએસઆઈ એન.કે. ભરવાડ અને એએસઆઈ અલીમામદ ઓસમાણ લંઘાની સંડોવણી સામે આવી હતી. આ પીએસઆઈ અને એએસઆઈ પણ આરોપી નિખિલના જાપ્તામાં હતા. પાલારા જેલમાંથી નિખિલને જી.કે. જનરલ હોસ્પિટલમાં લાવવા માટે પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા પણ જાપ્તામાં રહેતા હતા તે દરમ્યાન આરોપી પીએસઆઈ ભરવાડ અને એએસઆઈ લંઘા ફોન મારફતે આરોપીને ભગાડવામાં મદદ કરનાર ભરત રામાણીના સંપર્કમાં હતા ત્યારે બન્ને પીએસઆઈ અને એએસઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આગામી ૩-૪ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.