ભુજ નગરપાલિકાની પ્રથમ વખત વર્ચ્યુઅલ મોડથી સામાન્ય સભા યોજાઈ

ખેંગારબાગ પાસે નવી દિવાલના કામને મંજૂરી : ત્રિમાસીક હિસાબ રજૂ કરાયા : ફાયર ભરતીનો મુદ્દો પણ રહ્યો ચર્ચામાં

ભુજ : કોરોના વાયરસના કારણે ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૩૦મી જુન સુધી ઓનલાઈન સભા યોજવા આદેશ કર્યો છે, જે અનુસંધાને ભુજ નગરપાલિકાની ત્રિમાસીક સભા આજે યોજવામાં આવી હતી. નગરપાલિકાના સભ્યો ગુગલ મીટથી આ સભામાં જોડાયા હતા. આ અંગેની વિગતો મુજબ ભુજ નગરપાલિકાની આજે ખાસ સામાન્ય સભા પ્રથમ વખત કોવિડના કારણે ઓનલાઈન બોલાવાઈ હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ કચેરીએથી આ સામાન્ય સભામાં જોડાયા હતા. જયારે સદ્દસ્યો પોત પોતાના ઘર અને ઓફિસથી સામાન્ય સભામાં જોડાયા હતા. પ્રથમ તો ગત મિનિટનું વાંચન કરાયું, બાદમાં જાન્યુઆરીથી માર્ચ સુધીના ત્રિ-માસિક હિસાબનું વાંચન કરી બહાલી આપવામાં આવી હતી. જેમાં ૩૧મી માર્ચની સ્થિતિએ નગરપાલિકામાં ર૭,૩૧, ૯૩,૪૯૩ની ક્લોઝીંગ બેલેન્સ હોવાનું જણાવાયું હતું. બીજીતરફ રાજ્ય સરકાર દ્વારા ફાયરસેવાને સુદ્રઢ બનાવવા માટે ૮ -સંવર્ગની ર૧ જગ્યાઓ મંજૂર કરાઈ છે. અગ્નિશમન સેવાના અધિકારી – કર્મચારીઓની સીધી ભરતી બઢતી માટે પસંદગી કરવા નગરપાલિકા દ્વારા પસંદગી સમીતીની રચના કરવામાં આવી છે, જેમાં નગરપાલિકા પ્રમુખ સમિતિના અધ્યક્ષ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, રાજકોટ પ્રાદેશિક કમિશ્નર કચેરીના પ્રતિનિધિ સભ્ય તરીકે જયારે અગ્નિશમન અધિકારી આમંત્રીત સભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફિસર સભ્ય સચિવ રહ્યા છે. તો ભુજ સુધરાઈના ફાયર શાખામાં ૮ સંવર્ગની ભરતી માટે નિયમોમાં ટેકનિકલ લાયકાત તથા શારીરિક કસોટીના સુધારા ધોરણોને બહાલી આપી સરકારમાં મંજુરી માટે મોકલવામાં આવ્યુ હતું. પ્રમુખ સ્થાનેથી હમીરસર તળાવમાં ખેંગારબાગની સામે રિટેનિંગ વોલ રૂપિયા ૭,૭ર,૯૯૧ના ખર્ચે કરવામાં આવશે, જે ટેન્ડરના કામને સભ્યોએ બહુમતી આપી હતી.