ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બાદ હવે વિનાશક ભૂકંપ પર : ‘ભુજ ધ ડે ઈન્ડિયા શોક’ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર રિલીઝ

ડિસ્કવરી ચેનલ પર ૧૧ જૂને થશે પ્રિમીયર

ભુજ : ર૦૦૧માં ભુજ કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપનું દસ્તાવેજી કરણ કરતી ડોક્યુમેન્ટરી અનુપમ ખેર દ્વારા બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ૧૧મી જુને પ્રિમીયર ડિસ્કવરી પર રજૂ કરાશે. સરહદી કચ્છમાં ભારત – પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર અજય દેવગન દ્વારા ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા ફિલ્મ બનાવવામાં આવી ત્યાર બાદ કચ્છના ઈતિહાસને રજૂ કરતી વધુ એક ડોકયુમેન્ટરી બોલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર દ્વારા તૈયાર કરાઈ છે. ‘ભુજ ધ ડે ઈન્ડિયા શોક’ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી ડોકયુમેન્ટરીમાં ર૬ મી જાન્યુઆરી ર૦૦૧ના આવેલા ભૂકંપનું દસ્તાવેજીકરણ કરાયું છે. આ વિનાશક દુર્ઘટનાને ડોકયુમેન્ટરીના માધ્યમથી પડદા પર દર્શાવવા માટે ભૂકંપના પ્રત્યક્ષ સાક્ષીઓની વાત આવરી લેવામાં આવી છે. તેમજ જે તે વખતે લેવાયેલા વીડીયો ફુટેજ એકત્રીત કરીને ડોકયુમેન્ટરીનું નિર્માણ કરાયું છે. જેમાં ભૂકંપની તારાજી, રાષ્ટ્રીય આપતિ, રાહતદળની રચના અને ત્યાર બાદ શહેરી આયોજન, તબીબી ક્રાંતિ સહિતના મુદ્દાઓ આવરી લેવાયા છે. આ દુર્ઘટના અને તેના પરિણામને દર્શાવવા માટે વિવિધ ફૂટેજ જેવા વિડિઓઝ, ફોટોગ્રાફ્સ, અખબારની હેડલાઇન્સ અને ગુજરાતની સેટેલાઇટ છબીઓનો ઉપયોગ કરાયો છે. મુખ્ય ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટ (અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસીસ), જિમ લિવિંગસ્ટોન, ટીમ મેડિકલ (આંતરરાષ્ટ્રીય બચાવ કોર્પ), સુમેર ચોપરા, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગુજરાત, ડિરેક્ટર કુશલા રાજેન્દ્રન, ભૂસ્તરશાસ્ત્રી (પ્રોફેસર (નિવૃત્ત), પૃથ્વી કેન્દ્ર બેંગ્લોર, બચી ગયેલા લોકો સાથેના અન્ય નિષ્ણાતોની સાથે આપત્તિની વિશિષ્ટતાઓને સમાવિષ્ટ કરવા માટે વાર્તાનો મુખ્ય ભાગ સમાવાયો છે.