ઉપપ્રમુખ પદે ડાયાભાઈ ગોપાલભાઈ વરચંદ, કારોબારી ચેરમેન પદે જયનેશ શાંતિલાલ વરૂ, સત્તાપક્ષના નેતા તરીકે મામદ જત, દંડક તરીકે દિલાવરસિંહ સોઢાના નામોની જાહેરાત 

ભુજ : ભુજ તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ કુલ ૩ર બેઠકોની યોજાયેલી ચૂંટણીમાં ૩ બેઠકો ભાજપે બિનહરીફ કબજે કરી હતી અને ચૂંટણીને અંતે ભાજપના ફાળે કુલ ર૪ બેઠકો આવી હતી. જ્યારે સામે કોંગ્રેસને માત્ર ૮ બેઠકો પ્રાપ્ત થઈ હતી. ચૂંટણી બાદ હવે પદાધિકારીઓની વરણી માટેની પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરાઈ છે. જેમાં તાલુકા પંચાયતનું સુકાન મંજુલાબેન હરીશ ભંડેરીને સોંપાયું છે.  હોદ્દેદારોની વરણી માટે આજરોજ ભુજ ખાતે કેડીસીસી બેંકમાં ભાજપની મિટીંગ યોજાઈ હતી, જેમાં શરૂઆતથી જે નામ નક્કી હતું તેના પર મંજુરીની મહોર મરાઈ છે. તાલુકા પંચાયતના અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર થયેલા માનકુવા સીટના વિજેતા સદસ્ય મંજુલાબેન હરીશભાઈ ભંડેરીને તક અપાઈ છે. જ્યારે ઉપપ્રમુખ પદે ડગાડા બેઠકના ડાયાભાઈ ગોપાલભાઈ વરચંદ, કારોબારી ચેરમેન પદે કુકમા બેઠકના જયનેશ શાંતિલાલ વરૂ, સત્તાપક્ષના નેતા તરીકે ઝુરા બેઠકના મામદ જત તેમજ દંડક તરીકે ધ્રોબાણા સીટના દીલાવરસિંહ સ્વરૂપાજી સોઢાના નામ મહોર મરાઈ છે. આ જાહેર થયેલા ઉમેદવારો દ્વારા તાલુકા પંચાયતમાં ટીડીઓ શૈલેષ રાઠોડ સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા હતા. ફોર્મ ભર્યા બાદ હોદ્દેદારોનું ભાજપ કાર્યાલય ખાતે સન્માન પણ કરાયું હતું. આ વેળાએ જિલ્લા કોષાધ્યક્ષ દિલીપભાઈ શાહ, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજીભાઈ જોધાણી, વાઘજીભાઈ આહિર, દિનેશભાઈ ઠક્કર સહિતના હાજર રહ્યા હતા. આવતીકાલે યોજાનારી સામાન્યસભામાં આ નામોની વિધિવત વરણી કરવામાં આવશે.