ભુજ તાલુકાના બે સભ્યોને પદભાર સોંપાતા અન્ય તાલુકાઓમાં નારાજગી

  • જિલ્લા પંચાયતમાં નવા વરાયેલા હોદ્દેદારોમાં

માધાપર સીટના વિજેતાને પ્રમુખ પદ તેમજ કુકમાને શાસક પક્ષના નેતાનો પદભાર ફાળવાયો : છેવાડાના ત્રણે તાલુકાઓની સુકાનીઓ તરીકેની વરણીમાં બાદબાકી : વિવિધ સમિતીઓમાં સમાવાય તેવી ઉઠી માંગ

ભુજ : કચ્છની મિનિ સાંસદ સમાન જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ઘોષણા કેસરિયા પક્ષે કરી દીધી છે. ઔપચારિક વરણી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે ભુજ તાલુકાને જ બે-બે હોદ્દાઓ સોંપી દેવાતા અન્ય તાલુકાઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો છે. ત્યારે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનની વરણી બાકી હોય તે સમિતિ બાકી રહી ગયેલા તાલુકાઓને સમાવાય તેવી માંગ ઉઠી રહી છે.આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપે સુકાનીઓના નામોની જાહેરાત કરી દીધી છે. પ્રમુખ-ઉપપ્રમુખ પદના ઉમેદવારોએ પોતાના દાવાઓ રજૂ કરી દીધા છે. નવી બોડીની થયેલી સંરચનામાં ભુજ તાલુકા પર વધુ પડતો ભાર અપાતા અન્ય તાલુકાઓમાં નારાજગી પ્રવર્તી છે. જિલ્લા પંચાયતની ગત ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે માધાપરની બેઠકના વિજેતા ઉમેદવારને પ્રમુખ પદ ફાળવાયું હતું. ફરીથી આ ટર્મમાં પણ પ્રથમ અઢી વર્ષ માટે માધાપર બેઠકના વિજેતા પારૂલબેન કારાને પ્રમુખ પદ સોંપાયું છે તો કુકમા જિલ્લા પંચાયતની બેઠકના વિજેતા હરી હીરા જાટીયાને શાસક પક્ષના નેતા બનાવાયા છે. ભુજ તાલુકાને જ મહત્ત્વના બે-બે હોદ્દાઓ સોંપાતા અન્ય તાલુકામાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોમાં અંદરખાને કચવાટ સાથે નારાજગી પ્રવર્તી છે. હોદ્દાઓની સોંપણીમાં રાપર, અંજાર અને મુન્દ્રા તાલુકાના સભ્યો સમાવાયા છે. જ્યારે ગાંધીધામ, ભચાઉ તેમજ માંડવી અને છેવાડાના અંતરિયાળ નખત્રાણા અને અબડાસામાંથી કોઈને પણ તક ન મળતા નારાજગીનો સૂર જોવા મળી રહ્યો છે.જો કે હવે રચાનાર સમિતિઓમાં પક્ષ દ્વારા વિવિધ સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપીને સાચવી લેવાય તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. જો કે મહત્ત્વના હોદ્દાઓમાં ભુજ તાલુકાના બે-બે સભ્યોને સ્થાન અપાતા અન્ય તાલુકાઓ સાથે અન્યાયની લાગણી થઈ હોવાનું અંદર ખાને ચર્ચાયું છે.