ભુજ જી.કે.માં કોવિડ દર્દીઓ માટે પથારીઓની સંખ્યા વધારાશે

જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોઈ જનરલ હોસ્પિટલમાં ૩૦૦માંથી ૪૦૦ની ક્ષમતા કરવા મુકાઈ દરખાસ્ત : ૮-૧૦ દિવસમાં મંજુરી મળવાની શકયતા : તાલુકા કક્ષાએ કોવિડ કેર સેન્ટરનો વ્યાપ પણ વિસ્તારવાની વિચારણા

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેર દેશના અન્ય વિસ્તારોની સાથો સાથ કચ્છમાં પણ ઘાતક સાબિત થઈ રહી હોઈ પોઝિટીવ કેસનો આંક સતત ઉચકાઈ રહ્યો છે. દર્દીઓની વધી રહેલી સંખ્યાને પગલે જિલ્લા આરોગ્ય સહિતનું વહિવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ટેસ્ટીંગ વધારવાની સાથો સાથ અન્ય કામગીરી પણ તેજ બનાવી દેવાઈ છે, ત્યારે તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે ખાસ આયોજન પણ ઘડી કઢાયું છે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે પથારી વધારવા માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે.આ અંગે સિવિલ સર્જન ડો. કશ્યપ બૂચે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના અન્ય વિસ્તારોની સાથો સાથ કચ્છમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા હોઈ આરોગ્યતંત્ર સહિત સમગ્ર વહિવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. જિલ્લામાં કોવિડ કેર સેન્ટર વધારવાની સાથો સાથ ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરનો વ્યાપ વિસ્તારાશે. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે ૩૦૦ બેડની વ્યવસ્થા છે. કોરોનાના વધી રહેલા કેસોને જોતા ૪૦૦ બેડની ક્ષમતા કરવાની દરખાસ્ત છે. આગામી ૮-૧૦ દિવસમાં આ મંજુરી મળી જવાની પુરેપુરી શકયતા છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લામાં સરકારી કોવિડ હોસ્પિટલો ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ મધ્યે પણ કાર્યરત છે. તો એન્કરવાલા હોસ્પિટલ મસ્કા તેમજ વાઈબલ સંચાલિત ગડા પાટિયા ખાતે પણ કોરોના સેન્ટર કાર્યરત છે. જયાં દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાઈ રહી છે. તાલુકા કક્ષાએ ઓક્સિજન પથારી વાળા કોવિડ કેર સેન્ટર પણ વધારવામાં આવશે.