ભુજ – ગાંધીધામ સહીત રાજ્યમાં હવે સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટછાટ, 4 જૂનથી અમલ થશે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં

રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે

કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે 14000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયુ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.

શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
​​​​​​​મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.

હાલ સવારે 9થી બપોરે 3 સુધી લારી-ગલ્લા-વેપારીઓને છૂટ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં હવે કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે. જોકે આ તમામ શહેરોમાં રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં
ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ તેમા વધુ 8 શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ 36 શહેરોમાં 11 જૂન સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.